Western Times News

Gujarati News

વિદ્યાર્થીના શૈક્ષણિક ડોક્યુમેન્ટ્‌સનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપ કરનાર ભેજાબાજ ઝડપાયો

OBC EBC DNT Scholarship

સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની ટીમે છેતરપિંડી આચરનારની ધરપકડ કરી

યુવકે ગાંધીનગર અનુસૂચિત જાતિની કચેરીમાં આરટીઆઈ હેઠળ માહિતી માંગતા મોટો ખુલાસો થયો

ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ચોંકાવનારા કિસ્સામાં, વિદ્યાર્થીના શૈક્ષણિક ડોક્યુમેન્ટ્‌સનો દુરુપયોગ કરી, તેની જાણ બહાર સ્કોલરશીપની રકમ બારોબાર સેરવી લેવાનું આંતરજિલ્લા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ રેકેટના મુખ્ય સૂત્રધાર વિજય જયંતીલાલ પટેલ (મૂળ વિરમગામ, હાલ શીલજ)ની ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્›પ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ઘટનાની વિગત મુજબ, વડોદરાના પાદરા તાલુકાના ઘાયજ ગામે રહેતા પ્રતીકકુમાર કનુભાઈ પરમાર વર્ષ ૨૦૧૭માં ધોરણ-૧૨માં નાપાસ થયા બાદ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા હતા.

ત્યારબાદ વર્ષ ૨૦૨૨-૨૩માં તેમણે ધોરણ-૧૨ પાસ કરી વડોદરાની કોલેજમાં એડમિશન લીધું હતું. પ્રતીક જ્યારે માર્ચ ૨૦૨૩માં વડોદરા સમાજ કલ્યાણ કચેરીમાં સ્કોલરશીપ માટે ગયા, ત્યારે તેમને ખબર પડી કે તેમના નામે અગાઉ જ સ્કોલરશીપ ચૂકવાઈ ગઈ છે.આ અંગે તેમણે ગાંધીનગર અનુસૂચિત જાતિની કચેરીમાં આરટીઆઈ હેઠળ માહિતી માંગતા મોટો ખુલાસો થયો હતો. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દહેગામના બહીયલ સ્થિત એફ.ડી. (મુબીન) ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં પ્રતીકના નામે બોગસ એડમિશન મેળવાયું હતું. એટલું જ નહીં, સ્કોલરશીપના નાણાં સેરવવા માટે ખોટું સોગંદનામું રજૂ કરી, અમદાવાદની કડી નાગરિક સહકારી બેંકમાં પ્રતીકના નામે બોગસ ખાતું પણ ખોલાવવામાં આવ્યું હતું.

આ ગંભીર કૌભાંડની તપાસ દરમિયાન SOG ટીમે માસ્ટર માઇન્ડ વિજય પટેલની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ રેકેટમાં શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો કે સરકારી કર્મચારીઓની સંડોવણી અંગે પણ સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ પણ આવી ઠગાઈનો ભોગ બન્યા હોઈ શકે છે, જેથી ભોગ બનનાર તમામને તાત્કાલિક ગાંધીનગર SOG પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

આ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું કે, આ એક મોટું રેકેટ હોઈ શકે છે જેમાં અનેક વિદ્યાર્થીઓના નામે બારોબાર શિષ્યવૃત્તિ ઉપાડી લેવાઈ હોય તેવી આશંકા છે. વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન જો અન્ય કોઈ પણ નાગરિક કે વિદ્યાર્થી આ પ્રકારે સરકારી શિષ્યવૃત્તિ મેળવવા બાબતે ઠગાઈનો ભોગ બન્યા હોય તો તેમણે તાત્કાલિક ગાંધીનગર એસઓજી પોલીસનો સંપર્ક કરવો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.