વડનગરના ઐતિહાસિક વારસાને મળશે નવી ઓળખ, મુખ્યમંત્રીએ હેરિટેજ વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ
Ahmedabad, વડનગરના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને પ્રગતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ અમલમાં મૂકાયેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડનગરની પ્રાચીન ઇમારતો અને ઐતિહાસિક શેરીઓને તેમના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવાના કાર્યોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વડનગરના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની સાથે તેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વારસાગત ધરોહરના સંરક્ષણ સાથે પ્રવાસન અને સ્થાનિક વિકાસને પણ નવી દિશા મળશે.
મહત્વપૂર્ણ છે કે, વડનગરના હેરિટેજ વિસ્તારોની આગવી ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવવા માટે સમગ્ર પ્રોજેક્ટને ચાર મુખ્ય ઝોનમાં વિભાજિત કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં પ્રેરણા સ્કૂલ પરિસર, કીર્તિ તોરણ વિસ્તાર, પથ્થરની હવેલી વિસ્તાર અને શર્મિષ્ઠા તળાવ કિનારો જેવા ઐતિહાસિક વિસ્તારોનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટની અત્યાર સુધીની પ્રગતિ મુજબ કુલ 55 ઐતિહાસિક ઇમારતોના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં 52 ઇમારતો પર રિસ્ટોરેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે આગામી સમયમાં વધુ 2 ઇમારતોના પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વડનગરનો સમગ્ર હેરિટેજ વિસ્તાર તેના મૂળ ઐતિહાસિક વૈભવ સાથે નવા સ્વરૂપમાં ઉભરી આવશે.
રાજ્ય સરકારના આ પ્રયાસોથી વડનગરની ઐતિહાસિક ઓળખ વધુ મજબૂત બનશે અને શહેરને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર વિશેષ સ્થાન પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જે કુમાર શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પરિસરમાં નિર્માણ પામેલ ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લઇને સંકુલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાંઓનું અવલોકન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવી તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો તેમજ સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ મુજબ ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું અનુભવાત્મક શિક્ષણ આપવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે, જે ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.