ભરૂચ જિલ્લામાં ૬૮૫ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા અભિયાનના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે.
જેના પરિણામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લાના ૧૭૬ સરકારી શાળાઓમાં કુલ ૬૮૫ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.આ પ્રવેશોમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાઓ અગ્રેસર રહ્યા છે.
સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિકસિત માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ વાલીઓને આકર્ષી રહ્યા છે.
પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે. તાલુકાવાર વિગતો મુજબ ભરૂચ તાલુકામાં ૪૫ શાળાઓમાં ૧૮૪ વિદ્યાર્થીઓ, અંકલેશ્વર તાલુકામાં ૪૧ શાળાઓમાં ૧૮૩ વિદ્યાર્થીઓ, વાગરા તાલુકામાં ૨૮ શાળાઓમાં ૧૦૦ વિદ્યાર્થીઓ,
જંબુસર તાલુકામાં ૨૩ શાળાઓમાં ૭૨ વિદ્યાર્થીઓ, આમોદ તાલુકામાં ૧૩ શાળાઓમાં ૬૧ વિદ્યાર્થીઓ, નેત્રંગ તાલુકામાં ૧૨ શાળાઓમાં ૩૦ વિદ્યાર્થીઓ, હાંસોટ તાલુકામાં ૪ શાળાઓમાં ૨૯ વિદ્યાર્થીઓ,
ઝઘડીયા તાલુકામાં ૮ શાળાઓમાં ૨૨ વિદ્યાર્થીઓ તેમજ વાલીયા તાલુકામાં ૨ શાળાઓમાં ૪ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લા શિક્ષણ સમિતિ, ભરૂચ દ્વારા આગામી સમયમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપી વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
