ગોધરામાં NHAI ના મોનીટર રૂમમાંથી ચોરેલા એસી-કોમ્પ્રેસર સાથે આરોપી વસીમ ઝડપાયો
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી હીટાચી કંપનીના બે એસી અને બે કોમ્પ્રેસર સહિત રૂ. ૭૫ હજારનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપી અન્ય એક ય્ઝ્ર્ર્ંઝ્ર ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એ.બી. વોરાના નેતૃત્વમાં વણશોધાયેલા મિલ્કત સંબંધિત ગુનાઓ શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તે દરમિયાન પીએસઆઈ એચ.આર. જેતાવત અને એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સ તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી આધારે માહિતી મળી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટીના મોનીટર રૂમમાંથી ચોરી થયેલા એસી અને કોમ્પ્રેસર વસીમ મહમદ હનીફ ભટુક ઉર્ફે વસીમ ટપલો દ્વારા ગોધરા-વડોદરા હાઈવે પર મોર્ડન ફર્નિચરની પાછળની ખુલ્લી જગ્યામાં સંતાડી રાખવામાં આવ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી વસીમ ટપલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી હીટાચી કંપનીના બે એસી અને બે કોમ્પ્રેસર મળી કુલ રૂ. ૭૫ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ખાલીદ ઉર્ફે ચકલા શોકત પોસ્તી અને અસ્ફાક મહોમદ જમાલ શેખ સાથે મળીને તા. ૨ જૂન, ૨૦૨૬ની મધરાતે અજંતા મિનરલ કંપનીની બાજુમાં આવેલા નેશનલ હાઈવે ઓથોરિટીના મોનીટર રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કરી બે એસી અને બે કોમ્પ્રેસરની ચોરી કરી હતી.
આ તપાસ દરમિયાન ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનો ક્રમાંક ૧૧૨૦૭૦૦૨૨૬૦૨૩૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૦૩(૨), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવામાં સફળતા મળી છે.
