Western Times News

Gujarati News

ભરૂચમાં લાખોના ખર્ચે નિર્માણ પામેલ નાળાનો હેતુ શું?

(તસ્વીરઃ વિરલ રાણા) (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં આવેલ નારાયણ એસ્ટેટ નજીક આવેલ નાળુ જર્જરીત થતા સ્થાનિકોની રજૂઆતથી પાલિકાએ લાખો રૂપિયા ખર્ચી નાળાનું નિર્માણ કર્યું પરંતુ આ નાળાનો ઉપયોગ આમ પ્રજાને થશે કે માત્ર સોસાયટીના સ્થાનિક લોકોને જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેમાં વોર્ડ નંબર ૩ માં આવેલ નારાયણ એસ્ટેટ નજીક હાલમાં જ લાખો રૂપિયાના ખર્ચે એક નાળાનું નિર્માણ થવા પામ્યું છે.જે અનેક સવાલોના ઘેરામાં આવ્યું છે.પાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ નાળુ ક્યાં હેતુસર બનાવવામાં આવ્યું છે તે ખુદ પાલિકા તંત્ર તેનાથી અજાણ છે.

એક તરફ બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલ નાળુ જર્જરિત બન્યું છે તો તેનાથી થોડા જ અંતરે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવું નાળુ બનાવવામાં આવ્યું છે.જેમાંથી વરસાદી પાણીનો નિકાલ તો થશે પરંતુ ઉપરથી વાહનો પસાર થાય તે રીતે આ નાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પરંતુ જો આ નાળા પરથી વાહનોની અવરજવર વધી જાય તો સોસાયટી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી શકે છે અને તેના જ કારણે સોસાયટી વિસ્તાર આ નાળાનો માર્ગ બંધ કરે તો નાળા પાછળ પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવેલ લાખો રૂપિયાનું આંધણ થાય તેમ જણાઈ રહ્યું છે.

એક તરફ નવનિર્મિત નાળાના પગલે અહીંથી પાણીનો નિકાલ અટકી જતા જૂની કાંસમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે.જોકે પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ કાંસની સફાઈ તો કરી પંરતું નવનિર્માણ નાળાના પગલે અહીં પાણીનો નિકાલ અટકી જતા આગામી ચોમાસામાં પાણીનો ભરાવો થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

શક્તિનાથ નજીક આવેલ નારાયણ સ્કવેર નજીક અગાઉનું નાળુ જર્જરિત થઈ ગયું હતું જેથી સ્થાનિકોની રજુઆતના પગલે પાલિકા દ્વારા હાલમાં નાળુ બનાવવામાં આવ્યું છે કેટલાના ખર્ચે બનાવવામાં આવ્યું છે તે ખ્યાલ નથી તેમ વોર્ડના નગર સેવક અને પૂર્વ પ.વ.ડીના ચેરમેન ભાવિન પટેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા એ વર્ષ ૨૦૨૪-૨૫ વ્યવસાય વેરા (૫૦%) યોજના હેઠળ બોક્ષ ક્લવર્ટ બનાવવાની કામગીરી જે એજન્સીને આપવામાં આવ્યું હતું તે એજન્સીએ વર્ક ઓર્ડર પ્રમાણે કામગીરી કરી છે કે નહીં તે તપાસ કરે તે જરુરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.