સામાજિક કાર્યો અને માનવસેવા બદલ રીમા કાલાણીને “સ્વાભિમાન એવોર્ડ”
સેલવાસ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રીમા કાલાણીને “સ્વાભિમાન એવોર્ડ”થી સન્માનવામાં આવ્યા
સેલવાસ, સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વાપી ખાતે વર્ષો જૂની મહિલાઓ થી બનેલી જિલ્લામાં અને અન્ય ક્ષેત્રે સામાજિક કાર્યો કરતી “મુસ્કાન એનજીઓ”ના પ્રણેતા રીમા કાલાણીને પ્રતિષ્ઠિત , “સ્વાભિમાન એવોર્ડ” એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલાવાસમાં છેલ્લા ૮ વર્ષથી આ ગૌરવશાળી કાર્યક્રમનું અવિરત આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ ભાવે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓને બિરદાવવાનો છે.આ વર્ષે એવોર્ડ માટે વલસાડ જિલ્લાના તમામ વિસ્તારો તેમજ દાદરા નગર હવેલી, ઉમરગામ અને સરીગામ સહિતના પંથકોમાંથી અંદાજે ૨૩૦ જેટલા નામાંકનો (નોમિનેશન) પ્રાપ્ત થયા હતા.
આ આકરી પસંદગી પ્રક્રિયાના અંતે માત્ર ૨૨ વિશિષ્ટ મહાનુભાવોની આ એવોર્ડ માટે અંતિમ પસંદગી કરવામાં આવી હતી, જેમાં રીમા કાલાણી તેમના નોંધપાત્ર સામાજિક કાર્યો અને માનવસેવા બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.સેલવાસના કલા કેન્દ્ર સ્થિત ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સીજીએસટી કમિશનર શ્રી સંતોષ કુમાર વત્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સુરતના સીજીએસટી એડિશનલ કમિશનરશ્રી રઘુવંશ કુમાર તેમજ યુ.ટી. ચેરિટેબલ ટ્રસ્ટના તમામ અગ્રણી ટ્રસ્ટીઓ અને ગણમાન્ય નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. એવોર્ડ મેળવવા બદલ રીમા કાલાણી પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
