માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું
પ્રતિકાત્મક
વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૧૯માં માત્ર ૧૬ હતી
નવી દિલ્હી, જો તમે પાસપોર્ટને ભારતની નાગરિકતાનો પાકો પુરાવો સમજતા હો, તો વિદેશ મંત્રાલયનું આ તાજું નિવેદન ખાસ વાંચવા જેવું છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાસપોર્ટ મુખ્ય રૂપે વિદેશ પ્રવાસ કરવા માટેનું એક માધ્યમ કે દસ્તાવેજ છે, તે નાગરિકતાનો આખરી પુરાવો નથી. મંત્રાલયે આંકડા જાહેર કરતા ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૫માં ૧.૫ કરોડથી વધુ પાસપોર્ટ અને તેને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં એકલા પાસપોર્ટની સંખ્યા જ ૧.૩૯ કરોડ જેટલી હતી.
કેન્દ્ર સરકારે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયાને હવે ખૂબ જ સરળ અને ઝડપી બનાવી દીધી છે. પોલીસ વેરિફિકેશનના સમયને બાદ કરતાં, હવે પાસપોર્ટ ઈસ્યુ કરવામાં માત્ર ૬ વર્કિંગ ડેઝ (કામકાજના દિવસો) લાગે છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અરજદારોનું કામ ૪૫ મિનિટથી પણ ઓછા સમયમાં પૂરું થઈ જાય છે. હાલમાં દેશભરમાં ૫૪૫ પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ૧૦ વર્ષ પહેલાં આ સંખ્યા માત્ર ૭૭ હતી. આમ, કેન્દ્રોની સંખ્યામાં ૬ ગણો વધારો થયો છે. સરકારે ગયા વર્ષે ૧૦ નવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્રો ખોલ્યા હતા અને આ વર્ષે વધુ ૧૦ કેન્દ્રો ખોલવાનું આયોજન છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૧૯માં માત્ર ૧૬ હતી. આ ઉપરાંત, ૪૭ દેશો ભારતીયોને ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા આપે છે અને ૬૬ દેશો ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા)ની મંજૂરી આપે છે. યુરોપના મોટાભાગના દેશો સાથે ભારત સરકારે ખાસ ‘મોબિલિટી એગ્રીમેન્ટ’ (આવાજાહી કરાર) કર્યા છે. આ કરારો શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને વિદેશ પ્રવાસમાં મોટી રાહત આપે છે, તેમજ ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને પરત મોકલવા માટે એક મજબૂત સિસ્ટમ પણ પૂરી પાડે છે.
જો કોઈ વ્યક્તિનો જન્મ ૧ જુલાઈ ૧૯૮૭ પછી થયો હોય, તો ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માત્ર બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ કે આધાર કાર્ડ પૂરતા સાબિત થઈ શકતા નથી. કાયદા મુજબ, ૧ જુલાઈ ૧૯૮૭ પછી ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી આપમેળે નાગરિકતાનો દાવો કરી શકતી નથી, જ્યાં સુધી તેના માતા-પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક ન હોય.વર્ષ ૨૦૧૩માં બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદે પ્રવાસી હોવાનો આરોપ ધરાવતા ૪ લોકોની અરજી ફગાવી દીધી હતી.
તે લોકોએ પોતાની નાગરિકતા સાબિત કરવા પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અરજદારે કાયદા મુજબ એ સાબિત કરવું પડશે કે તેના માતા-પિતા ભારતના નાગરિક હતા. કાયદાની જોગવાઈ અનુસાર, જો કોઈનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ કે તેના પછી અને ૧ જુલાઈ ૧૯૮૭ પહેલા ભારતમાં થયો હોય, તો તે જન્મથી ભારતીય છે, પરંતુ ત્યારબાદના જન્મો માટે માતા-પિતાની નાગરિકતા અનિવાર્ય બને છે.SS1
