બોરસદના યુવક અને સાળા સાથે લંડનના વિઝાના નામે રૂ.૧૧.૫૩ લાખની છેતરપિંડી
વર્ક પરમિટ અપાવવાના નામે હૈદ્રાબાદ બોલાવીને પેટલાદ ધૈર્યપુરા અને મુંબઈ રહેતાં શખ્સોએ નાણાં પડાવી લીધાં
આણંદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતા યુવક અને ગામમાં જ રહેતા તેના સાળાને પેટલાદના ધૈર્યપુરા અને મુંબઈના બે શખ્સોએ લંડન ખાતે વર્ક વિઝા પર મોકલવાનું જણાવીને બંને પાસેથી રૂ.૧૧,૫૩,૫૨૬ની રકમ પડાવી લીધા હતા. તેમને સ્કોટલેન્ડ-લંડન નહીં મોકલીને તેમજ નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.
બોરસદ તાલુકાના વાસણા ગામે દિપકભાઈ મહેન્દ્રભાઈ પરમાર પોતાના પત્ની, બે સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે અને આણંદ ખાતે આઈડીએફસી બેંકમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત વર્ષ-૨૦૨૧માં દિપકભાઈએ પોતાના ગામમાં જ રહેતા સાળા અંકુરભાઈ પુનમભાઈ ચાવડા અને આણંદના વલાસણ ગામે રહેતા સાહિલ ઈરફાનભાઇ વ્હોરા વિદેશમાં લંડન અથવા સ્કોટલેન્ડ જવા અંગે વાતચીત કરી હતી.
અને દીપકભાઈની સાળી તેજલબેન પુનમભાઈ ચાવડા થકી પેટલાદના ધૈર્યપુરા ગામે રહેતા મુબીન કમરૂમીયા મલેક તેમજ મુંબઈ (સીટી કેશન નિકેતન કાર્ટર રોડ જૈન મંદિર સામે, બોરીવલી ઇસ્ટ) ખાતે રહેતા ધવલ મહેન્દ્રભાઈ દોશી સાથે સંપર્ક થયો હતો. દિપકભાઈને તેઓની સાળીએ આ બંને જણા વિદેશ મોકલવાનું કામ કરતા હોવાનું જણાવ્યુ હતુ. જેથી તેમનો સંપર્ક કરતા હૈદરાબાદ ખાતે બોલાવતાં દિપકભાઈ પોતાના હાડગુડ ગામે રહેતા મિત્ર પ્રિતેશસિંહ કિરીટસિંહ ઝાલા સાથે હૈદરાબાદ ખાતે ગયા હતા.
ત્યાં મોબીન લેવા માટે આવ્યો હતો અને હૈદરાબાદમાં વીએફએસ ગ્લોબલ વિઝા એપ્લિકેશન સેન્ટર મેટ્રો સ્ટેશન પુંજાગુટ્ટા ઓફિસર કોલોની ખાતે આવેલી હૈદરાબાદ તેલંગાણા વિઝા ઓફિસ ખાતે લઈ ગયા હતા. જ્યાં મુંબઈનો ધવલ દોશી મળ્યો હતો અને અસલ પાસપોર્ટ તેમજ અન્ય અસલ કાગળો આપી દેવાનું જણાવ્યું હતું. તે પહેલા દિપકભાઈના સાળા અંકુર અને સાહિલભાઈએ મોબીન અને ધવલને પોતાના અસલ પાસપોર્ટ તેમજ અન્ય અસલ કાગળો ઉપરાંત અંકુરભાઈએ રૂ.૨,૫૫,૮૬૦ની રકમ અલગ અલગ સમયે અને તે પછી દિપકભાઈએ પણ અલગ અલગ ટ્રાન્જેકશન કરીને રૂ.૮,૯૭,૬૬૬ની રકમ આપી દીધી હતી.
આ બનાવ અંગે દિપકભાઈ મહેન્દ્રભાઈ પરમારે બોરસદ શહેર પોલીસમથકમાં પેટલાદ ધેર્યપુરાના મોબીન કમરૂમીયા મલેક અને મુંબઈના ધવલ મહેન્દ્રભાઈ દોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1
