Western Times News

Gujarati News

સરકારી તબીબો માટે સુપર સ્પેશિયાલિટી બેઠકોમાં કટ ઓફ ઓછું હોવું જોઈએઃ SC

તમિલનાડુમાં સરકારી તબીબોની ખાલી અનામત બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં સોંપાતી રોકવા અરજી

નવી દિલ્હી, તમિલનાડુમાં સરકારી તબીબો માટે ૧૫૨ સુપર સ્પેશિયાલિટી મેડિકલ સીટ અનામત રાખવામાં આવેલી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ પૈકીની ખાલી રહેલી બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં સોંપવાની તજવીજ તમિલનાડુ સરકારે શરૂ કરી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, સરકારી તબીબો માટે સુપર સ્પેશિયાલિટી સીટમાં કટ ઓફ ઓછું હોવું જોઈએ, કારણ કે તેઓ જનતાની સેવા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આ તબીબો ઉચ્ચ શિક્ષણની સાથે સરકારી આરોગ્ય તંત્રમાં જનતાની સેવા પણ કરી રહ્યા છે. તેથી તેમના માટે કટ ઓફ ઘટાડવા બાબતે વિચારણા થવી જોઈએ. કેસની વિગતો મુજબ, NEET-SS ૨૦૨૫ કાઉન્સેલિંગ દરમિયાન તમિલનાડુ રાજ્યની ક્વોટાની બેઠકો ખાલી હતી.

DM અને M.chની આ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભેળવી દેવાની તંત્ર દ્વારા મંજૂરી આપી હતી. તમિલનાડુ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન તથા અન્ય એક અરજદારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. રાજ્ય સરકાર દ્વારા ખાલી પડેલી ૧૫૨ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભેળવી ન દેવાય તે માટે દાદ માગવામાં આવી હતી. અરજદારોએ રજૂઆત કરી હતી કે, ઓલ ઈન્ડિયા કાઉન્સેલિંગના બીજા તબક્કા બાદ ક્વોલિફાઈટિંગ પર્સેન્ટાઈલ (કટ ઓફ)ને ૫૦ ટકાથી ઓછા કરવામાં આવે છે.

તેથી તમિલનાડુના ઈન-સર્વિસ તબીબોને કાઉન્સિલિંગના ત્રીજા અથવા મોપ-અપ રાઉન્ડ દરમિયાન આ બેઠકો માટે દાવેદારી કરવાની તક મળવી જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફાઈંગ માટે પર્સેન્ટાઈલ ઓછા કરાયા હતા, પરંતુ સુપર-સ્પેશિયાલિટી બેઠકો માટે બીજા તબક્કાના કાઉન્સિલિંગમાં હજુ કટ ઓફ ઘટ્યા નથી. તમિલવેણી કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશના કારણે આમ થઈ રહ્યું છે, પરંતુ તે ચુકાદામાં ઈન-સર્વિસ ડોક્ટર એસોસિએશનને સાંભળવામાં આવ્યા ન હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.