‘ચીને ૨૨ કરોડ અમેરિકન વાટર્સના ડેટાની ચોરી કરી’ : ટ્રમ્પ
ટ્રમ્પે FBI-CIA સામે આંગળી ચીંધી
રશિયા, ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાનું માદુરો શાસન અમેરિકન ચૂંટણી માળખાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે : ટ્રમ્પ
નવી દિલ્હી,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધિત કરતા ચૂંટણી વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યાે છે કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ની સમીક્ષા અનુસાર આશરે ૨.૭૮ લાખ બિન-અમેરિકન નાગરિકો ફેડરલ ચૂંટણી માટે મતદાર તરીકે નોંધાયેલા જોવા મળ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટ શાસિત રાજ્યોએ વાટર રેકોર્ડ શેર ન કર્યા હોવાથી આ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે વર્ષ ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન ચીને આશરે ૧૭ કરોડ અમેરિકન મતદારોનો સંવેદનશીલ ડેટા ગેરકાયદેસર રીતે મેળવી લીધો હતો, જે અમેરિકન ચૂંટણી સુરક્ષાના ઇતિહાસની સૌથી મોટી ચોરી છે.
ટ્રમ્પે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના કેટલાક અધિકારીઓ અને “ડીપ સ્ટેટ” પર ચીનના કથિત ચૂંટણી હસ્તક્ષેપની માહિતી પ્રમુખ, કોંગ્રેસ અને જનતાથી છુપાવવાનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યાે કે તેમની રોજિંદી ઇન્ટેલિજન્સ બ્રીફિંગમાંથી પણ ચીન સંબંધિત અહેવાલો દૂર રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પના મતે, સીઆઈએ અને એફબીઆઈ ના અહેવાલો દબાવી દેવાયા હતા, જેમાં ચીન દ્વારા ૨૦૨૦ની ચૂંટણી પ્રભાવિત કરવા અને જો બાઇડેનના પક્ષમાં નકલી કાયદેસર મતપત્રો તૈયાર કરવાના પ્રયાસોનો ઉલ્લેખ હતો.
આ સિવાય ચીનની સરકારે ટ્રમ્પ વિરુદ્ધ નેગેટિવ લેખો લખવા માટે અમેરિકન પત્રકારોને નાણાં આપવાની કોશિશ કરી હોવાનો દાવો પણ કરાયો છે.સંબોધનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને કાઉન્ટિંગ સિસ્ટમ સાયબર હુમલા સામે અસુરક્ષિત હોવાની વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે રશિયા, ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાનું માદુરો શાસન અમેરિકન ચૂંટણી માળખાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા તેમણે કેલિફોર્નિયાની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું જ્યાં ૨ જૂને થયેલા મતદાનની ગણતરી ૧૦ જુલાઈ સુધી ચાલી હતી, જેને તેમણે “ત્રીજી દુનિયાના દેશો કરતાં પણ બદતર” ગણાવી છે.
જનતાનો ભરોસો પુનઃસ્થાપિત કરવા માટે તેમણે દરેક મતદાર માટે નાગરિકતાનું પ્રમાણપત્ર ફરજિયાત કરવાની અને મેલ-ઈન બેલેટ (ડાક દ્વારા વોટિંગ) ને મર્યાદિત કરવાની વકાલાત કરી છે. આ માટે તેમણે નાગરિકોને SAFE America Act વહેલી તકે પસાર કરાવવા માટે પોતાના સાંસદો પર દબાણ લાવવા અપીલ કરી છે. ટ્રમ્પે ODNI, ન્યાય વિભાગ (DOJ), FBI અને CIA ને આ માહિતી છુપાવવા અંગે તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાની ચીમકી આપી છે.SS1
