ઝઘડિયાના બે ગામને જોડતા રોડ તથા સ્લેબ ડ્રેનનું કામ છેલ્લા છ માસથી બંધ હાલતમાં
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાં ખાસ કરી આદિવાસી વિસ્તારોમાં થતા વિકાસના કામો કરતા કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી સમય મર્યાદામાં કામ કરતા નથી અને વર્ષ બે વર્ષ સુધી આ કામ અધુરા જ પડ્યા રહેતા હોવાની અસંખ્ય ફરિયાદો અવારનવાર ઊઠવા પામે છે!
આવી જ એક ફરિયાદ આમલઝર ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જીવીબેન બચુભાઈ વસાવા દ્વારા જિલ્લા કલેકટર તથા કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી છે, તેમણે પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે કે આમલઝર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગુંડેચા આમલઝર નો ડામર રસ્તો જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ, જેમાં આશરે ૨૩૦૦ મીટર આરસીસી અને બીજો ડામર રસ્તો અને બે નંગ સ્લેબ ડ્રેન સહિત રસ્તો ગત જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ તાંત્રિક મંજૂરી આપી બે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ રસ્તા નું કામ વર્ક ઓર્ડર મળ્યા બાદ બંને એજન્સી દ્વારા આશરે એક વર્ષ અગાઉ ચાલુ કરવામાં આવેલ હતું, જે કામ ૩૦ ટકા જેટલું થયેલું છે અને બે સ્લેબ ડ્રેન ના કામમાં આમલઝર ખાડી ઉપર જે હયાત જર્જરીત નાળુ હતું તે તોડી નાખીને એમ જ રહેવા દીધેલ છે, આ જગ્યા ઉપર આજદિન સુધી સ્લેબ ડ્રેન નું કામ થયું નથી, રસતો ખોદી નાખવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે, બીજું સ્લેબ ડ્રેન ગુંડેચા મુકામે છે તે પણ ૪૦ ટકા જેટલું બાંધકામ બાકી છે,
આરસીસી રોડ સહીત સ્લેબ ડ્રેન ના કામમાં પણ એસ્ટીમેટ મુજબ સ્ટીલ સિમેન્ટ જીએસબી મેટલમાં પ્રમાણે વાપરવામાં આવેલ નથી. આરસીસી રોડ માં ડામોર રોડ માં પૂરતા પ્રમાણમાં રોલિંગ પાણીનો છંટકાવ વિગેરે પણ માપ પ્રમાણેનું કરવામાં આવેલ નથી, જેથી સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું પણ વારંવાર ધ્યાન દોરી લેખીત અને મૌખિક સોશિયલ મીડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવેલી,
તા.૧૬.૪.૨૬ ના રોજ સરપંચ દ્વારા પત્ર અને ઠરાવ કરી લેખિત રજૂઆત સાથે રોડનું કામ છેલ્લા છ મહિનાથી બંધ છે તેમ આ સમય દરમિયાન વારંવાર ફોનથી બંને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને પણ લેખિત મોકલજો કરા છતાં રસ્તા નું કામ ચાલુ કરવામાં આવેલ નથી હવે ચોમાસાની શરૂ થવાની બિલકુલ તૈયારી હોય આમલઝર ગામમાં એક થી બાર ધોરણ સુધી શાળા છે,
ગુંડેચા એક અને ત્રણ અને કદવાલી ગામના આશરે ૧૫૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ શાળા એ જવાનો એકમાત્ર રસ્તો હોય વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે તેમ છે, સ્લેબ ડ્રેનના કારણે આ રસ્તો સદંતર બંધ છે, ચોમાસામાં વરસાદ હોય ત્યારે બંને ગામની ખાડીઓમાં ભારે પૂર આવે છે તો પૂર દરમિયાન ખાડી ઓરંગવા જવાથી ભણવા જતા બાળકો કે ગામનો સામાન્ય માણસ તણાઈ જવાની શક્યતા છે, અકસ્માત થવાની સંભાવના છે,
આવું કંઈક બનશે તો તમામ જવાબદારી જવાબદાર કોન્ટ્રાક્ટરની અને માર્ગ અને મકાન વિભાગની રહેશે તેમ તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લઈ સ્લેપ ડ્રેન પૂર્ણ કરવામાં આવે અને અધૂરો આરસીસી રોડ પૂર્ણ કરવામાં આવે અને સ્લેબની બાજુમાં ચોમાસુ ટકે તેવું મજબૂત ડાઈવરજન આપવામાં આવે તેવી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
