Western Times News

Gujarati News

સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે

નવું ઘર ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું

અમદાવાદ, સુરતના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.જો સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની રહેશે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને ઘર અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડશે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સત્તાવાળાઓ પાસે જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરત પોલીસ કમિશનર, સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ટોરેન્ટ પાવર સહિતના તમામ સંબંધિત પક્ષકારોને જોડવામાં આવ્યા છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

અરજદારપક્ષ તરફથી કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે, ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું. સ્થાનિક રહીશોને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના, આગોતરી જાણ કર્યા વિના કે પંચનામું કર્યા વિના રાતોરાત ૧૫૦થી વધુ મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા. રહીશોને પોતાની રજૂઆત કરવાની કે સામાન હટાવવાની સહેજ પણ તક આપવામાં આવી નહોતી.

આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારપક્ષને એક મહત્ત્વનો સવાલ કર્યાે હતો કે, ‘આ ડિમોલિશન સુરત મનપા દ્વારા જ કરાયું છે તેવું તમે કઈ રીતે કહી શકો?’ જેના જવાબમાં અરજદારે જણાવ્યું કે, જ્યારે ડિમોલિશનની આ આખી કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ત્યાં સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિત ૨૦થી ૨૫ જેટલા પોલીસ અધિકારીઓનો મોટો કાફલો રૂબરૂ હાજર હતો.ત્યારબાદ જસ્ટિસ નિખિલ કેરીયલે પણ કડક વલણ અપનાવી પૃચ્છા કરી હતી કે, ‘ડિમોલિશનની ડ્યુટીમાં જે મશીનરી અને માણસો રોકાયા હતા તે કોના હતા?’ અરજદારે આ અંગે કોર્ટને ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે, ડિમોલિશન કરનાર એજન્સી સુરત મનપાની જ છે.

આ સિવાય, ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ ટોરેન્ટ પાવર દ્વારા ત્યાંનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને પાલિયા બિલ્ડરના આદેશ પર ‘શ્રી રામ એજન્સી’ દ્વારા આ આખી કામગીરી પાર પાડવામાં આવી હતી. આટલું જ નહીં, ઘટનાસ્થળે આર્કિટેક્ટ રજનીકાંત પણ હાજર હોવાનો ગંભીર આરોપ અરજદારપક્ષે લગાવ્યો છે.હાઇકોર્ટે અરજદારોને એવો પણ પ્રશ્ન કર્યાે હતો કે, ‘જો ૩૦મી મેના રોજ જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તો પછી કોર્ટના દ્વાર ખખડાવવામાં આટલો વિલંબ કેમ થયો?’ તેના ખુલાસામાં પીડિતોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ડિમોલિશન બાદ તેઓ સૌથી પહેલા ન્યાયની આશાએ સુરત મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.