Western Times News

Gujarati News

હોલિવૂડમાં હજુ બોલિવૂડ જેવી જગ્યા બનાવી નથી : પ્રિયંકા

પ્રિયંકાએ પોતાનાં વ્યક્તિગત જીવન વિશે વાત કરી

ભારતમાં સુપરસ્ટાર તરીકે સ્થાપિત થયા બાદ પણ હોલિવૂડમાં તેને એક નવા કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવવી પડી હતી

મુંબઈ,વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસે સ્વીકાર્યું છે કે હોલિવૂડમાં સફળતા મેળવ્યા છતાં તે હજુ પોતાની બોલિવૂડ કારકિર્દી જેટલી મજબૂત જગ્યા બનાવી શકી નથી. પ્રિયંકાએ આ વાત તાજેતરમાં યોજાયેલી કાન લાયન્સ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.પ્રિયંકાએ જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેને અનેક શ્રેષ્ઠ ડિરેક્ટર્સ અને કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી અને વિવિધ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી.

પરંતુ અંગ્રેજી ભાષાની ફિલ્મો અને હોલિવૂડમાં તેને હજુ એવું વૈવિધ્યસભર કામ કરવાની તક મળી નથી. તેણે કહ્યું, “ભારતમાં મેં અદ્ભુત ફિલ્મો કરી છે, અનેક પ્રકારના જોનરની ફિલ્મોમાં કામ કર્યું છે અને શ્રેષ્ઠ ફિલ્મમેકર્સ તથા કલાકારો સાથે કામ કર્યું છે. પરંતુ અમેરિકામાં અને મારી અંગ્રેજી ભાષાની કારકિર્દીમાં હજુ સુધી મેં એટલી વિવિધતા અનુભવી નથી.”પ્રિયંકાએ જણાવ્યું કે ભારતમાં સુપરસ્ટાર તરીકે સ્થાપિત થયા બાદ પણ હોલિવૂડમાં તેને એક નવા કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવવી પડી હતી.

તેણે કહ્યું, “જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે ભારતીય કલાકારો માટે હોલિવૂડમાં જગ્યા બનાવવી ખૂબ જ મર્યાદિત હતી. મારે ફરીથી શરૂઆત કરવી પડી અને પોતાની જાતને સાબિત કરવી પડી હતી.” તેણે ઉમેર્યું કે હવે તેનું આગામી લક્ષ્ય હોલિવૂડમાં પણ તેને ભારતમાં મળી હતી એવી જ વિવિધ અને પડકારજનક ભૂમિકાઓ ભજવવાનું છે.પ્રિયંકાએ પોતાનાં વ્યક્તિગત જીવન વિશે પણ વાત કરી હતી. ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન અને પુત્રી માલતી મેરીનાં જન્મ બાદ તેમની જીવનશૈલી અને પ્રાથમિકતાઓમાં મોટો ફેરફાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું.

પ્રિયંકાએ કહ્યું, “હવે હું પહેલા જેવી રીતે બેગ પેક કરીને એક પછી એક ફિલ્મો માટે મુસાફરી કરતી નથી. વર્ષમાં પાંચ ફિલ્મો પણ કરતી નથી. હું હવે મારા સમય બાબતે બહુ ધ્યાનથી નિર્ણય લેતી થઈ ગઈ છું. કામ અને પરિવાર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છું. હવે મને મારી માતા માટે વધુ આદર અને સમજણ થઈ છે.” પ્રિયંકા આગામી સમયમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સમાં જોવા મળશે.

સાથે જ તે દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની ભવ્ય ભારતીય ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમામાં પણ મહત્વની વાપસી કરવાની છે. બોલિવૂડથી હોલિવૂડ સુધીની તેની સફર અનેક કલાકારો માટે પ્રેરણારૂપ રહી છે. જોકે પ્રિયંકાના મત મુજબ તેની હોલિવૂડ યાત્રાનો સૌથી રસપ્રદ અને પડકારજનક અધ્યાય હજુ લખાવાનો બાકી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.