દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માતમાં ૭ના મોત
૨૨ મુસાફરોની હાલત ગંભીર
બસ-ટ્રેલર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે આગ મિનિટોમાં જ આખી બસમાં ફેલાઈ ગઈ
બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો
નવી દિલ્હી,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈને ટ્રેલર (ટ્રક) સાથે અથડાઈ હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૭ થઈ ગયો છે, જ્યારે ૨૨ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં કુલ ૩૭ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે ૨ઃ૩૦ વાગ્યે કોલવા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આગ મિનિટોમાં જ આખી બસમાં ફેલાઈ ગઈ હતી અને બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.એડિશનલ એસપી યોગેન્દ્ર ફોજદારે જણાવ્યું કે, આ દુર્ઘટના એક્સપ્રેસવે પર આવેલા રેસ્ટ એરિયા પાસે થઈ હતી. શરૂઆતની માહિતીમાં ૨ લોકોના મોત અને ૧૭ લોકો ઈજાગ્રસ્ત હોવાની આશંકા હતી, પરંતુ બાદમાં ૬ મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ, સારવાર દરમિયાન ડૉક્ટરોએ વધુ એક મુસાફરના મોતની પુષ્ટિ કરતાં કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે.
દૌસાના એસપી પીયૂષ દીક્ષિત પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરીની જાતે દેખરેખ રાખી રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાત્રે અઢી વાગ્યાની આસપાસ હરિદ્વાર તરફથી આવી રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને આગળ જતાં ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરોની હાલત હજુ પણ ગંભીર છે.SS1
