૩ર સ્કૂલ વાન ચાલકોને રૂ.૧.રર લાખનો દંડ- ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને લઈ જતા હતા
પ્રતિકાત્મક
પાટણ, પાટણ જિલ્લામાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે પાટણ આર.ટી.ઓ. કચેરી દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ વાન, સ્કૂલ બસ તેમજ સ્કૂલ રિક્ષાઓનું આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક અને પરિવહનના નિયમોના ભંગ બદલ કુલ ૩ર વાહનચાલકોને ૧.રર લાખ દંડ ફટકાર્યો હતો.
પાટણ આર.ટી.ઓ. વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવી પાટણ શહેરની મોટી શાળાઓ નજીક અને અન્ય માર્ગો પર વહેલી સવારથી પોઝિશન લેવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓ દ્વારા વાહનોના ફિટનેસ, પરમીટ અને લાયસન્સની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પરમિટની શરતોનો સરેઆમ ભંગ કરવો, વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ વિના બાળકોના જીવ જોખમમાં મૂકી વાહન ચલાવવું, સરકારના નિયમ મુજબની એચ.એસ.આર.પી. (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ)ન હોવી, તેમજ રસ્તા પર ભયજનક અને અતિશય બેદરકારીપૂર્વક વાહનો હંકારવા જેવા ગંભીર મોટર વાહન અધિનિયમના ઉલ્લંઘન સામે સ્થળ પર જ મોટા પ્રમાણમાં દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે સ્કૂલ વાહન ચેકીંગ ઝુંબેશ દરમિયાન શાળાના બાળકો અટવાતા હોય છે. જેથી શાળામાં વિલંબથી પહોંચતા શિક્ષણકાર્ય બગડતું હોય છે. જેથી પાટણ આર.ટી.ઓ. કચેરી દ્વારા આ ચેકિંગ શાળા સ્કૂલ નજીક રાખ્યું હતું જેના કારણે બાળકોને કોઈ તકલીફ ના પડે ચેકિંગની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં કોઈ અનાવશ્યક મુશ્કેલી, માનસિક તણાવ કે સમયનો વિલંબ થયો ન હતો.
