Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ફ્રીજમાં સંતાડેલો દારૂ અને બિયર પકડાયા, બે શખ્સોની ધરપકડ

SMCની ટીમે બે શખ્સોને પકડી લિસ્ટેડ બૂટલેગરના વેપલાનો પદાર્ફાશ કર્યો-લવારપુર ગામે ઝૂંપડીના ફ્રીજમાંથી દારૂનો જથ્થો મળ્યો, રૂ.રપ.ર૬ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર, ગાંધીનગરના ડભોડા નજીક આવેલા લવારપુર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી બે શખ્સોને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી લીધા હતા અને ઝૂંપડીમાં મુકેલા ફ્રીજમાંથી દારૂની નાની-મોટી બોટલો, બિયરના ટીન, મોબાઈલ, રોકડ રકમ અને વાહનો સહિત કુલ રૂ.રપ.ર૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

એસએમસીની ટીમ દારૂની પ્રવૃતિના નેટવર્કને તોડવા પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે લવારપુર ગામના ઈન્દીરા આવાસ પાસેના તળાવ નજીક ખુલ્લી જગ્યામાં લિસ્ટેડ બુટલેગર મનોજ ભીમાજી ઠાકોર નામનો શખ્સ અન્ય રાજયમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મગાવી વેચાણ અને સંગ્રહનું નેટવર્ક ચલાવે છે.

તેના આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ ઝૂંપડી પર દરોડો પાડયો હતો ત્યારે ઝૂંપડીની બહાર પ્લાસ્ટીકના કોથળા અને થેલા લઈને બેસેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પુછપરછમાં તેમણે પોતાના નામ રાજનકુમાર સુરેશચદ્ર પટેલ (પટેલ વાસ, ટાવરની બાજુમાં, ગામ મગોડી) અને અજીત વિનુભાઈ ઠાકોર (ઠાકોર ફળીયું, લવારપુર) હોવાનું જણાવ્યું હતું. તેમની અંગઝડતી કરતા બે મોબાઈલ ફોન અને રૂ.૪૬,૯પ૦ની રોકડ મળી હતી.

ઝૂંપડીમાં બંધ હાલતમાં રાખેલા ફ્રીજમાંથી બરફ ભરેલા બીયરના ટીન તેમજ વિદેશી દારૂની બોટલો ભરેલા બોકસ મળી આવ્યા હતા. જેનું વેચાણ પણ કરવામાં આવતું હતું. ઝડપાયેલા આરોપી રાજન પટેલે કબુલાત કરી હતી કે તે અને તેનો મિત્ર લિસ્ટેડ બુટલેગર મનોજ ભીમાજી ઠાકોર (રહે. લવારપુર) છેલ્લા ત્રણેક મહિનાથી આ ધંધો કરે છે.

જેમાં મનોજ મુખ્ય સૂત્રધાર છે અને તે રાજસ્થાનના ખેરવાડા ખાતે રહેતા શૈલાશ આદિવાસી, જીવન બાંગુડા અનુ મુકેશ દેવાસી પાસેથી દારૂનો જથ્થો મંગાવતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૩૧ર૭ નંગ વિદેશી દારૂ-બીયરની બોટલો કિંમત રૂ.૧૪.૧૯ લાખ, બે મોબાઈલ, રોકડ રકમ તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી કાર, એક મોપેડ મળીને કુલ રૂ.રપ.ર૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.