અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર વરસાદી પાણી બન્યું આફત: બ્રિજ પર પાણી ભરાતા વાહનો સ્લીપ થયા
પ્રતિકાત્મક
એક્સપ્રેસ વે પર અચાનક બ્રેક મારી ને થાર સાથે અથડાઈ કાર! બ્રિજ પર પાણી ભરાતા તંત્રની પોલ ખુલી
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર ભોળાદ પાટીયા નજીક વરસાદી પાણીના કારણે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોળાદ નજીક આવેલા બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ પર પાણી ભરાયેલા હોવાથી આગળ જઈ રહેલી થાર કારના ચાલકે અચાનક બ્રેક મારતાં કારના ટાયર સ્લીપ થયા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી હ્યુન્ડાઈ કાર સમયસર કાબૂમાં રહી શકી નહોતી અને ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે બંને કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.
ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફ્કિ પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિકોમાં બ્રિજ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
