હિંમતનગરમાં સ્લમ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. દરમ્યાન પાલિકાના વોર્ડ નંબર ૫માં હાલમાં પણ ચાર કોર્પોરેટર ભાજપના હોવા છતાં વર્ષોથી સ્લમ વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં રહેતા લોકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.
જેથી સત્વરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાલિકાના વિપક્ષના નેતા તથા અન્ય કાર્યકરોએ ગુરૂવારે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે એક તરફ હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં દિન-પ્રતિદિન વિકાસ વધી રહયો હોવાને કારણે તે વિસ્તારોની ચમક-દમક ખુબજ વધી રહી છે
પરંતુ પાલિકાની હદમાં આવતા કેટલાક સ્લમ વિસ્તારોમાં આજે પણ પાયાની જરૂરીયાતો મુજબ સુવિધાઓ અપાઈ ન હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે વિપક્ષના નેતા ઈમરાન બાદશાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ બારોટ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પડી રહેલી મુશ્કેલીને વાચા આપવાના આશયથી ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે.
આ આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ ભુતકાળમાં પાલિકાના પ્રમુખ પદે રહી ચુકયા હોવા છતાં વોર્ડ નં.૫માં આવેલ વાઘેલા વાસમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની ગંભીર સ્થિતિ છે અહીં ભૂગર્ભ ગટર અને ગંદકી, ગટરની લાઈનો અને ચેમ્બરો તૂટેલી છે. ઘણી જગ્યાએ લાઈનો ન હોવાના કારણે મળ મૂત્ર ખુલ્લી નાળામાં વહે છે અને ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન દુર્દશાની હાલતમાં હોવાથી ગંદુપાણી રસ્તાઓ પર વહી રહ્યું છે.
અને ભાગ્યોદય હોસ્પિટલ પાછળ મંદિર પાસે થઈ તે ગંદુપાણી હાથમતી નદીમાં નાખવામાં આવી રહ્યું છે જેના લીધે નદીમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. આ વિસ્તારમાં અગાઉ જાહેર સુલભ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ તેની જગ્યાએ નવું શૌચાલય હજુ સુધી બન્યુ નથી, જેથી નાગરિકો પાયાની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વલખા મારી રહયા છે.
