Western Times News

Gujarati News

અમદાવાદ: ભદ્ર કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્ક રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 

અમદાવાદ: ભદ્ર કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ પટેલ રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા નારણપુરામાંથી રંગેહાથ ઝડપાયો
​અમદાવાદ:

અમદાવાદની ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના અપીલ વિભાગમાં આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ માધવલાલ પટેલને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

કોર્ટ કમિશનર તરીકે મકાનની કમ્પાઉન્ડ દીવાલના વિવાદમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપવાના બહાને આ લાંચ માંગવામાં આવી હતી.

​શું હતો સમગ્ર મામલો?
​આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી અને તેમના પડોશી વચ્ચે મકાનની કોમન કમ્પાઉન્ડ દીવાલ અંગે વિવાદ ચાલતો હતો. પડોશીએ ગેરકાયદેસર રીતે દબાણ કરીને દીવાલ ઊભી કરી દીધી હોવાથી ફરિયાદીએ તેને તોડી પાડવા નોટિસ આપી હતી.

આ નોટિસથી બચવા પડોશીએ ભદ્ર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેના પગલે કોર્ટે આ મામલે તપાસ કરવા માટે અપીલ વિભાગના આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલની ‘કોર્ટ કમિશનર’ તરીકે નિમણૂક કરી હતી.

​આરોપી અશોક પટેલે આ કેસની કાર્યવાહીમાં ફરિયાદીની તરફેણમાં અહેવાલ અને ચુકાદો અપાવવા માટે રૂ. ૧૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

​ACBએ ગોઠવ્યું સફળ છટકું
​ફર્યાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે અમદાવાદ શહેર એસીબી (ACB)નો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ પી.આઈ. કે.એન.સોલંકી અને તેમની સ્ટાફની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

​આરોપી અશોક પટેલે ફરિયાદીને લાંચની રકમ આપવા માટે નારણપુરા વિસ્તારમાં આવેલા ધરતી સર્કલ પાસે, મેલડી માતાના મંદિરની સામે બોલાવ્યા હતા.

ફરિયાદી પાસેથી રૂ. ૧૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પૂર્વ આયોજિત ગોઠવણ મુજબ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને ઘટનાસ્થળેથી જ રંગેહાથ દબોચી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.