Western Times News

Gujarati News

૧૭૫ કરોડ રૂ.ના ખર્ચે અમદાવાદ એરપોર્ટ અને ભાટ વચ્ચે કેબલ સ્ટેડ બ્રિજ તૈયાર થયો

ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ માર્ગ પર ભાટ ચાર રસ્તા પાસે કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ

અમદાવાદ, અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી વ્યસ્ત માર્ગ પર વાહનચાલકોની સરળતા માટે ગાંધીનગરના પ્રથમ અને અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં, રવિવાર, ૫ જુલાઈ ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગરને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડતા ભાટ ચાર રસ્તા (ભાટ ચોકડી) પરનો આ નવો ફ્‌લાયઓવર રવિવારથી જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા ભાટ સર્કલ અને એપોલો સર્કલ પાસેથી દૈનિક અંદાજે ૧.૫૦ લાખથી વધુ વાહનો પસાર થાય છે. જેના કારણે પીક અવર્સમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાતો હતો.

એસ.પી. રિંગરોડ અને કોબા હાઈવેના આ મુખ્ય જંકશન પર વાહનચાલકોના સમય અને ઈંધણનો મોટો વ્યય થતો હતો. આ સમસ્યાને હળવી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧.૪૮ કિલોમીટરની લંબાઈ ધરાવતો, ૧૭૫ કરોડ રૂપિયાના ખર્ચે અદભુત કેબલ સ્ટેડ બ્રિજ તૈયાર કરાયો છે.

આ બ્રિજ કાર્યરત થવાથી હવે ટ્રાફિકનું ડિવિઝન બે અલગ-અલગ સ્તરે થઈ જશે. એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી પસાર થશે, જ્યારે અમદાવાદ-ગાંધીનગર અને એરપોર્ટ તરફ જતા વાહનો બ્રિજની ઉપરથી કોઈ પણ અવરોધ વિના સડસડાટ પસાર થઈ શકશે. આ ઉપરાંત એસ.પી. રિંગરોડ, બરોડા અને સુરત તરફ જતા વાહનો માટે બંને બાજુ ૩-૩ લેન મળીને કુલ ૬ લેનનો અલાયદો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે.

આ આકર્ષક બ્રિજની મુખ્ય ઓળખ તેના ૩૮ મીટર ઊંચા પાયલોન (મજબૂત થાંભલા) અને હવામાં લટકતા સ્ટીલના કેબલ્સ છે. આ પ્રકારની એન્જિનિયરિંગ ટેકનોલોજી સામાન્ય રીતે જાપાન અને ચીન જેવા દેશોમાં જોવા મળે છે.

બ્રિજ શરૂ કરતા પહેલાં તેની મજબૂતાઈ માપવા માટે ૭૦૦ ટનથી વધુ વજન ધરાવતા ૧૮ વિશાળ ટ્રકો ઊભા રાખીને તેનું કડક લોડ ટેસ્ટિંગ કરાયું હતું. એટલું જ નહીં, ભવિષ્યમાં પવનની ગતિ, વજન અને કેબલ્સની સુરક્ષા પર ૨૪ કલાક નજર રાખવા માટે અઢી કરોડના ખર્ચે ‘હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ’ ફીટ કરવામાં આવશે.

આ લોકાર્પણ કાર્યક્રમની સાથે મુખ્યમંત્રીએ હાઈવે પર ભાટ પાસે આવેલા નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું. ૪૮ કરોડ રૂપિયાના ખર્ચે થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત હાલના ૬ લેન બ્રિજની બંને તરફ ૩-૩ લેનના બે નવા બ્રિજ બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં આખો બ્રિજ ૧૨ લેનનો થઈ જશે અને બોટલનેક ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બની જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.