Western Times News

Gujarati News

વીજ ગ્રાહકોની પૂર્વ સંમતિ વિના પણ સ્માર્ટ મીટર લગાવી શકાશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરોગામી ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વીજ વિતરણ કંપનીઓ પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે.

આ આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ મેળવવી કાયદાકીય રીતે જરૂરી નથી. વળી, માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને કોઈ પણ ગ્રાહક જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માંગણી કરી શકે નહીં. વીજ લોકપાલનો આ નિર્ણય રાજ્યમાં સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ વચ્ચે વીજ કંપનીઓ માટે મોટો કાનૂની આધાર સાબિત થશે.

આ સમગ્ર વિવાદ વડોદરાના લાલબાગ વિભાગ હેઠળના મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના એક ગ્રાહક મહેન્દ્રકુમાર ડી. પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસથી શરૂ થયો હતો. ગ્રાહકનો મુખ્ય દાવો એવો હતો કે તેમની મંજૂરી વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેમની બેંકની ખાતામાંથી આપોઆપ નાણાં કપાવવાની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ ગઈ હતી અને બાદમાં તેમનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો.

આ સામે વીજ કંપનીએ કાનૂની પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનું સ્થાપન વિદ્યુત અધિનિયમ ૨૦૦૩, કેન્દ્રીય વિદ્યુત સત્તામંડળના મીટરિંગ નિયમો, ગ્રાહકોના અધિકાર નિયમો અને પુરવઠા સંહિતાની જોગવાઈઓ અંતર્ગત જ કરવામાં આવ્યું છે. આ સાથે કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે બેંકમાંથી નાણાં કપાવવાની સમસ્યાને અને મીટરના પ્રકારને કોઈ પણ પ્રકારનો લેવા-દેવા નથી.

વીજ લોકપાલે તમામ કાનૂની પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરીને ગ્રાહકની અપીલને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને અગાઉના ગ્રાહક તકરાર નિવારણ ફોરમના નિર્ણયને યથાવત રાખ્યો છે. પોતાના આદેશમાં લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે પ્રવર્તમાન કાનૂની જોગવાઈઓ હેઠળ સ્માર્ટ મીટર સ્થાપિત કરવું સંપૂર્ણપણે કાયદેસર છે અને તેના માટે ગ્રાહકની મંજૂરી લેવી અનિવાર્ય નથી.

ચુકાદામાં એ નોંધવામાં આવ્યું છે કે ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ તકનીકી ખામી કે બિલિંગની ગડબડ હોવાનું પુરાવા સાથે સાબિત કરી શક્યા નથી. જો કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ બાબતે કોઈ પણ શંકા હોય, તો તેઓ નિયમો અનુસાર ત્રીજા પક્ષની અધિકૃત પ્રયોગશાળામાં મીટરની તપાસ કરાવી શકે છે,

પરંતુ માત્ર વિરોધના આધારે જૂનું મીટર પાછું લગાવવાની માંગ સહેજ પણ સ્વીકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલ દ્વારા આપવામાં આવેલો આ આદેશ એક કાયદેસરનો અર્ધ-ન્યાયિક આદેશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.