ઇડરમાં તિરંગા સર્કલથી બસ સ્ટેશન વચ્ચેના દબાણો દુર કરાયા
નગરપાલિકા અને પોલીસ તંત્રની સહિયારી કામગીરીથી રોડ ખુલ્લા થયા
(પ્રતિનિધિ) હિંમતનગર, ઇડરના તિરંગા સર્કલથી બસ સ્ટેન્ડ વચ્ચેના રોડ પર છેલ્લા કેટલાક સમયથી લારી-ગલ્લાવાળાઓ કોઇપણ જાતની મંજૂરી વિના આડેધડ દબાણો કરીને રસ્તા સાંકડા કરી રહ્યા છે. ત્યારે સોમવારે નગરપાલિકા અને પોલીસ તંત્રની સહિયારી કામગીરી બાદ રોડ ખુલ્લો કરાયો હતો.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરથી ઇડરમાં પ્રવેશ કરતાની સાથે જ બસ સ્ટેન્ડથી લઇ તિરંગા સર્કલ સુધી જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને રોડની બન્ને તરફના દબાણોને લીધે પોતાનું વાહન ખુબજ સાવચેતી પૂર્વક હંકારીને જવુ પડે છે.
ત્યારે કેટલીક વખત ટ્રાફિક જામ સહિત અન્ય સમસ્યાઓ સર્જાય છે અને કયારેક તો શાબ્દિક ટપાટપી પણ ભૂતકાળમાં થઇ હોવાના બનાવો બન્યા છે. ત્યારે સોમવારે નગરપાલિકાના ચીફ ઓફિસર જૈમીન ચૌધરી, ઇડર ડિવાયએસપી સ્મિત ગોહિલ, ઇડર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ. ચૌધરીની આગેવાની હેઠળ શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેના ભાગરૂપે તિરંગા સર્કલ, ઇડર મામલતદાર કચેરી આગળથી બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર ઉભા રહેતા લારી-ગલ્લા, રોડ પરના અવરોધરૂપ ચીજવસ્તુઓ તેમજ ગેરકાયદે મૂકવામાં આવેલા બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા.
વલાસણા રોડની બાજુમાં આડેધડ પાર્ક કરવામાં આવેલી બાઇકો અને એક્ટિવા પણ હટાવવામાં આવી હતી, જેથી વાહનવ્યવહાર સુચારુ બની રહે.કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા બોર્ડ, લારીઓ અને અન્ય સામગ્રીને ઇડર નગરપાલિકામાં લાવી દેવાયા હતા. ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, દબાણમુક્ત માર્ગો ઉપલબ્ધ બને અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
