Western Times News

Gujarati News

સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

Files Photo

બાળકીએ પાડોશીને તે છોકરો સારો નથી કહેતા મામલો બહાર આવ્યો

પરિવારજનોને જાણ થતાં સગીરને ઠપકો આપવા ગયા ત્યારે સગીર અને તેના ભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ, શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકીઓ ફ્લેટની ગેલેરીમાં રમતી હતી ત્યારે પાડોશમાં રહેતા સગીરે સંતાકુકડી રમવાના બહાને બોલાવીને ત્રણ બાળકીઓને અડપલાં કર્યા હતા. આ બાબતે સગીરાના પરિવારજનોને જાણ થતાં સગીરને ઠપકો આપવા ગયા ત્યારે સગીર અને તેના ભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી વેજલપુર પોલીસે બે સગીર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, આઠ અને છ વર્ષની દીકરીઓ ગત તા. ૪ના રોજ પાડોશીના ઘરે રમવા ગઈ હતી. ત્યાં પાડોશીના દીકરાએ મકાનની લાઈનમાં જ રહેતા એક સગીરના વખાણ કર્યા હતા. આ સાંભળીને બાળકીઓએ તરત જ વિરોધ કરતા કહ્યું કે, તે છોકરો સારો નથી અને તેણે ખરાબ વર્તન કર્યું છે. જેથી પાડોશી મહિલાએ સગીરાને આ બાબતે વધુ પૂછતા તેણે કંઇ ન કહેતા સગીરાની માતા પાસે મહિલા પહોંચી હતી.

માતાએ પોતાની સગીર દીકરીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. ડરના કારણે ચૂપ રહેલી ૮ વર્ષની સગીરાએ આખરે માતા સામે સમગ્ર ઘટના કહી હતી. સગીર પુત્રીએ માતાને જણાવ્યું કે, રાત્રે તે તેની નાની બહેન અને પાડોશમાં રહેતી ૯ વર્ષની બહેનપણી સાથે ફ્લેટની ગેલેરીમાં રમતી હતી. ત્યારે સામે રહેતા સગીરે ઈશારો કરીને બોલાવતા ત્રણેય સગીરાઓ ત્યાં ગઇ હતી. સગીરે પોતાના ઘરમાં સંતાકૂકડી રમવાની લાલચ આપીને અંદર લઈ જઇને ત્રણેય માસૂમ બાળકીઓના કપડાં ઉતારી શારીરિક અડપલા કર્યાં હતા.

બાળકીઓએ વિરોધ કરતા સગીરે બળજબરી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીએ એમ પણ જણાવ્યું કે એક મહિના પહેલાં પણ સગીરે આવું જ કૃત્ય કર્યું હતું અને માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ બાળકીની માતાએ પતિને જાણ કર્યા બાદ ભોગ બનનાર ત્રીજી બાળકીની માતાને પણ સમગ્ર ઘટના જણાવી હતી.

બીજા દિવસે ત્રણેય સગીરાના વાલીઓ સગીરના ઘરે ઠપકો આપવા ગયા ત્યારે સગીરના ભાઈએ ઉશ્કેરાઈને પીડિત પરિવારને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે, મામલો બિચકતા પોલીસ બોલાવવામાં આવી હતી. વેજલપુર પોલીસે સમગ્ર મામલે બે સગીર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.