Western Times News

Gujarati News

શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

આગવી ઓળખ કાર્યક્રમ હેઠળ સહાયના ધોરણોમાં વધારા સાથે નવી એસઓપી

મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને મહત્તમ સહાય દર ત્રણ વર્ષે એક વખત મળવાપાત્ર થશે

ગાંધીનગર, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્રવાસન, હેરિટેજ તેમજ શહેરની ચોક્કસ ઓળખ બને તેવા આઇકોનિક સ્થળ વિકસાવવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા આગવી ઓળખ કાર્યક્રમ હેઠળ મોટાપાયે સહાય આપવામાં આવશે. આ સહાયમાંથી કન્વેન્શન સેન્ટર, નદીના શુદ્ધિકરણ સહિત અનેક કામગીરી પણ કરી શકાશે. વિભાગ દ્વારા આ માટે સહાયના ધોરણોમાં વધારો કરીને નવેસરથી એસઓપી નિયત કરવામાં આવી છે.

રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સતત થઇ રહેલા વધારાના કારણે અર્બન લોકલ બોડી અનેક નવા અને જંગી ખર્ચ થવાના હોય તેવા કામો તેની પોતાની ક્ષમતાના આધારે કરી શકે તેમ નથી. તેને ધ્યાનમાં લઇને શહેરી વિકાસ વિભાગે વિવિધ કામોને આગવી ઓળખ ઘટક હેઠળ આવરી લીધા છે જેથી તેને સહાય કરી શકાય. શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવા આઇકોનિક કામોને મહત્ત્વ આપવામાં આવશે. તે સાથે બાળકો માટે સ્થાનિક સ્તરે જ એમ્યુઝમેન્ટ પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા જેવી સુવિધા વધારવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટકની નોડલ એજન્સી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ નક્કી કરવામાં આવી છે.

મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને મહત્તમ સહાય દર ત્રણ વર્ષે એક વખત મળવાપાત્ર થશે. મળવાપાત્ર સહાય કરતા વધુ મોટી રકમનો ખર્ચ જે તે કામ માટે થશે તો તે સ્થાનિક સંસ્થાઓ પોતાની રીતે ભોગવવાનો રહેશે. શહેરી વિસ્તારોમાં વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તે પછી કેટલાક કિસ્સામાં તેની કામગીરી નબળી હોવાનું બહાર આવે છે. તેને ધ્યાનમાં રાખીને ગુણવત્તા નિયંત્રણની કામગીરી માટે તાકીદ કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત કરાયું છે.

તે સાથે એસ્ટીમેટ બનાવવા, ડીપીઆર બનાવવા અને ટીપીઆઇ વિગેરેની કામગીરી માટે કુલ ખર્ચના ત્રણ ટકાની મર્યાદામાં જ ખર્ચ કરી શકાશે તેમ પણ ઠરાવાયું છે. આ માટે જો શહેરોએ સરકારી કે ખાનગી જમીન મેળવવાની થતી હોય તો તે રકમનો ખર્ચ પણ જે તે પાલિકાએ સ્વભંડોળમાંથી કરવાનો રહેશે. આગવી ઓળખ કાર્યક્રમ હેઠળ જે કામો થવાના છે તેનો અન્ય કોઇ યોજનામાં આ કામો સૂચવવામાં આવ્યા નથી તે પણ સુનિશ્વિત કરવા વિભાગ દ્વારા જણાવાયું છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.