રામ મંદિર દાન ચોરી કેસઃ 39 દિવસમાં 70 વખત દાનની ચોરીનો ખુલાસો
File Photo
(એજન્સી) અયોધ્યા, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના દાનની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરી અને ગબન મામલે રચાયેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ના પ્રાથમિક અહેવાલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની એસઆઈટીએ સોંપેલા અહેવાલ મુજબ ૨૭ એપ્રિલથી ૫ જૂન, ૨૦૨૬ દરમિયાન માત્ર ૩૯ દિવસમાં દાનની રકમમાંથી ૭૦ વખત ચોરી થયાના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે.
તપાસ દરમિયાન ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજના વિશ્લેષણમાં દાનની ગણતરી કરતા કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નોટોના બંડલ તેમજ છૂટા નાણાં પોતાના કપડાં, ખિસ્સા અને જૂતામાં છુપાવતા સ્પષ્ટ રીતે જોવા મળ્યા હોવાનું અહેવાલમાં નોંધાયું છે. એસઆઈટીએ આ ફૂટેજને પ્રાથમિક પુરાવા તરીકે ગણાવી આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
તપાસમાં સામેલ અધિકારીઓના જણાવ્યા મુજબ શંકાસ્પદ કર્મચારીઓના બેંક ખાતા, સ્થાવર મિલકતો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરતાં તેમની આવકની સરખામણીએ અસામાન્ય જમા રકમ અને ફિક્સ્ડ ડિપોઝિટ મળી આવ્યા હતા. કેટલાક કર્મચારીઓ અને તેમના પરિવારજનોના ખાતાઓમાં મોટી રકમ જમા થઈ હોવાના સંકેતો પણ સામે આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા અગાઉ જ અંદાજે ૭૮.૯૪ લાખની રકમ જપ્ત કરવામાં આવી હોવાનું પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એસઆઈટીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક દાવાઓનું પણ ખંડન કર્યું છે. તપાસમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાનમાં અપાયેલી ચાંદી, ચાંદીની ઈંટો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની કોઈ ગેરરીતિ સામે આવી નથી. આ તમામ વસ્તુઓ ટ્રસ્ટની દેખરેખ હેઠળ સુરક્ષિત હોવાનું અથવા સરકારની ટંકશાળમાં નિયમ મુજબ જમા કરાવવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
સીસીટીવી ફૂટેજ, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાના આધારે ઓછામાં ઓછા છ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી હોવાનું એસઆઈટીએ નોંધ્યું છે. તેમની સામે ગુનો નોંધવાની અને વધુ ફોજદારી તપાસ હાથ ધરવાની ભલામણ કરવામાં આવી છે. સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
