Western Times News

Gujarati News

TAT પાસ ન મળે તો UG-PG પાસને પણ જ્ઞાન સહાયકમાં તક મળશે

(એજન્સી)અમદાવાદ, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯થી ૧૨ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે અગાઉના જુલાઈ ૨૦૨૩ અને જુલાઈ ૨૦૨૫ના ઠરાવો રદ કરીને નવો સંકલિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.

હવેથી જે તે વર્ષના લાયક ‘ટાટ’ પાસ ઉમેદવારો નહીં મળે, તો અગાઉના વર્ષોમાં ટાટ પાસ કરનારા ઉમેદવારોને પણ તક અપાશે. જો જૂના ટાટ પાસ ઉમેદવારો પણ ઉપલબ્ધ નહીં હોય, તો માધ્યમિક શાળા માટે સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે પીજી પાસ ઉમેદવારોને પણ જ્ઞાન સહાયક બનવાની તક મળશે.

આ ઉપરાંત, સરકારે એક અન્ય મહત્ત્વનો સુધારો કરીને વયમર્યાદામાં પણ વધારો કર્યો છે, જેમાં હવે માધ્યમિક શાળા માટે ઉંમરની મર્યાદા વધારીને ૪૮ વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૫૦ વર્ષની કરવામાં આવી છે.

રાજ્યની ધોરણ ૯થી ૧૨ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે વર્ષ ૨૦૨૩માં કાયમી ભરતીના બદલે ‘જ્ઞાન સહાયક યોજના’ શરૂ કરી હતી.

જુલાઈ ૨૦૨૩ના પ્રથમ ઠરાવ અનુસાર, આ યોજના હેઠળ ૧૧ મહિનાના કરાર પર જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટે ‘ટાટ’ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હતી. આ નિયમ મુજબ, માધ્યમિક શાળા માટે ટાટ સેકન્ડરીની અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ તથા મેઈન એમ બંને પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ પાત્ર ગણવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.