Western Times News

Gujarati News

અમેરિકાએ ઈરાનના કેશમ આઈલેન્ડ અને બંદર અબ્બાસ પર ઝીંક્યા બોમ્બ

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ! અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વાણિજ્યિક

જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે

વોશિગ્ટન, પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભભૂકી ઉઠી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાને અસ્વીકાર્ય ગણાવીને અમેરિકાએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી, જેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાન પર ભયાનક જવાબી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. અમેરિકનસેનાએ દક્ષિણ ઈરાનના કેશમ આઈલેન્ડ, બંદર અબ્બાસ અને સીરિક વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યાે છે.

ઈરાની સરકારી મીડિયા અને પ્રેસ ટીવીના અહેવાલો અનુસાર, દક્ષિણ ઈરાનના કેશમ દ્વીપ અને બંદર અબ્બાસમાં ભયાનક વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. જ્યારે દક્ષિણના પોર્ટ સિટી સીરિકમાં ઓછામાં ઓછા સાત મોટા ધડાકા થયા છે, જેમાંથી છ પ્રોજેક્ટાઈલ સીરિકના તાહેરૂઈ પિયર વિસ્તારમાં આવીને પડ્યા છે.અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વાણિજ્યિક જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

સેન્ટકોમે ઈરાનના આ કૃત્યને ગેરવાજબી, ખતરનાક અને યુદ્ધવિરામ (સીઝફાયર) નું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.બીજી તરફ, આ હવાઈ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને અમેરિકનહુમલાને ઇસ્લામાબાદ સમજૂતીના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ માટે સંપૂર્ણપણે અમેરિકન સરકારને જવાબદાર ઠેરવી છે.ઈરાને ચીમકી આપી છે કે તેઓ પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ જરૂરી પગલાં ભરવાથી પાછળ નહીં હટે. ઉલ્લેખનીય છે કે આ તણાવ વચ્ચે અમેરિકન નાણા વિભાગે ઈરાની તેલના ઉત્પાદન અને વેચાણ માટે જારી કરાયેલું જનરલ લાયસન્સ પણ રદ કરી દીધું છે, જેનાથી પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી ગઈ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.