અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, કુવૈતમાં ડ્રોન-મિસાઈલ એટેક
બહેરીનમાં સાયરન વાગ્યા
હવાઈ હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ૮૦થી વધુ સૈન્ય મથકોને તબાહ કરવામાં આવ્યા
તહેરાન, ખાડી દેશ બહેરીનમાંથી આ વકતની એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક વિગત સામે આવી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વધેલા ભારે તણાવની વચ્ચે બહેરીનના ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં અચાનક કટોકટીની ચેતવણી આપતા સાયરન (ઇમરજન્સી અલાર્મ) વગાડી દીધા છે. મંત્રાલયે કડક આદેશ જાહેર કરીને તમામ નાગરિકો અને પ્રવાસીઓને કોઈપણ પ્રકારની વિલંબ વિના તુરંત જ નજીકના સુરક્ષિત સ્થાનો અથવા આશ્રયસ્થાનો (શેલ્ટર્સ) તરફ જવા નિર્દેશ આપ્યો છે.
આ અણધારી ઘટના બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે.વાસ્તવમાં, મિડલ ઈસ્ટમાં આ તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ મંગળવાર મોડી રાતથી એક મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું. જે બુધવાર સવાર સુધી ચાલ્યું હતું. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈરાનમાં આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી છે.અમેરિકી સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આ હવાઈ હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ૮૦થી વધુ સૈન્ય મથકોને તબાહ કરવામાં આવ્યા છે.
જેમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કોસ્ટલ રડાર સ્ટેશન, એન્ટી-શિપ મિસાઈલ લોન્ચર, ડ્રોન લોન્ચ સાઈટ અને ૬૦થી વધુ હાઈ-સ્પીડ બોટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંદર અબ્બાસના શહીદ હક્કાની પોર્ટ સહિત કેશ્મ દ્વીપ અને સીરિકની આસપાસના અનેક લશ્કરી ઠેકાણાઓને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બહેરીનના ગૃહ મંત્રાલયે એક અત્યંત જરૂરી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જનતાને શાંતિ જાળવી રાખવા અને સોશિયલ મીડિયા પર વહેતી થતી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
નાગરિકોને માત્ર સત્તાવાર સરકારી માધ્યમો અને ન્યૂઝ ચેનલો દ્વારા જ આવી રહેલી માહિતી પર ભરોસો કરવા અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.બીજી તરફ, આ યુદ્ધની અસર અન્ય ખાડી દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાને કુવૈતને નિશાન બનાવીને મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યાે છે, જેની પુષ્ટિ કુવૈતની સેના દ્વારા કરવામાં આવી છે. કુવૈતના સૈન્ય જનરલ સ્ટાફે જણાવ્યું કે દેશની એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે સક્રિય છે અને દુશ્મન દેશ તરફથી આવી રહેલી મિસાઈલો તથા ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે. સેનાએ લોકોને આકાશમાં થતા ધડાકાઓથી ન ગભરાવા અને તુરંત જ સુરક્ષિત સ્થળોએ આશરો લેવા વિનંતી કરી છે.
