ઉત્તરાખંડમાં તોફાની વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની
ભૂસ્ખલન થવાને લીધે ૩૨થી વધુ રોડ ઠપ
હાથીબડકલામાં ૧૫ મીમી, પિથોરાગઢમાં ૮.૯ મીમી અને લોહાઘાટમાં ૮ મીમી વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું
દહેરાદુન, ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ આફત લઈને આવ્યો છે. રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને લીધે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે તંત્રની વિવિધ ટીમો સતત દોડધામ કરી રહી છે. આ ઉપરાંત, સતત વરસી રહેલા વરસાદને કારણે અલકનંદા સહિતની પ્રમુખ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જળ સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં હાલમાં ૩૨ જેટલા મુખ્ય રસ્તાઓ ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે રસ્તાઓ પરથી પથ્થરો અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ માર્ગાેને વહેલી તકે સાફ કરવા માટે ઘટનાસ્થળે તહેનાત છે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને જલ્દી રાહત મળી શકે.
દેહરાદૂન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મંગળવારે સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં પંતનગરમાં સૌથી વધુ ૧૦૭ મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ચોરગલિયામાં ૭૯.૫ મીમી, રુદ્રપુરમાં ૪૩.૫ મીમી, યમકેશ્વરમાં ૩૮ મીમી અને કિચ્છામાં ૩૨.૫ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ખાનપુરમાં ૨૭ મીમી, તેમજ દેહરાદૂન અને લક્સરમાં ૧૯-૧૯ મીમી વરસાદ રેકોર્ડ થયો છે. આ ઉપરાંત હાથીબડકલામાં ૧૫ મીમી, પિથોરાગઢમાં ૮.૯ મીમી અને લોહાઘાટમાં ૮ મીમી વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.SS1
