લોરેન્સ ગેંગ પર આફત બનીને તૂટી પડી અમેરિકન એજન્સી
૫૦ ઠેકાણે દરોડા બાદ ૨૪ની ધરપકડ
દરોડા દરમિયાન આશરે ૧,૦૦૦ કિલોગ્રામ કોકેન, ૧ કિલો હેરોઈન, ૧૨ ગેરકાયદેસર હથિયારો અને ૪૦,૦૦૦ ડોલર રોકડા જપ્ત કરાયાં
વોશિગ્ટન, અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) અને FBI દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં ૫૦થી વધુ સર્ચ વોરંટ બજવીને કુલ ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૦ આરોપીઓ હજુ પણ ફરાર છે.
અમેરિકી ફેડરલ ચાર્જશીટ મુજબ, ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર મોબાઈલ ફોન અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા વૈશ્વિક સ્તરે નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સિન્ડિકેટમાં તેનો ઉત્તર અમેરિકાનો મુખ્ય સાગરિત ગોલ્ડી બ્રાર અને યુરોપનો ઓપરેશનલ હેડ રોહિત ગોદારા સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ ગેંગ મુખ્યત્વે વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને ડરાવીને લાખો ડોલરની ખંડણી વસૂલતી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની ગુનાહિત છબીનો પ્રચાર કરતી હતી.
કેનેડાના સરેમાં જૂન ૨૦૨૩માં એક અગ્રણી રાજકીય અને ધાર્મિક નેતાની થયેલી હત્યાનો આદેશ પણ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આપ્યો હોવાનો ગંભીર આરોપ છે.આ ઓપરેશન અંતર્ગત કુલ ૩૭ આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ફેડરલ ગુના નોંધાયા છે. જેમાં બીજું નેટવર્ક જગ્ગુ ભગવાનપુરિયાનું છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી કોન્ટ્રાક્ટ કિલિંગ અને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.
ત્રીજું નેટવર્ક કેનેડાથી રવિન્દર સિંહ ઢાંડા દ્વારા ચલાવવામાં આવતું હતું, જે સાઉથ કેલિફોર્નિયાથી કેનેડા સુધી સેંકડો કિલો કોકેન અને મેથામ્ફેટામાઈન સપ્લાય કરતો હતો.તપાસ એજન્સીઓએ દરોડા દરમિયાન આશરે ૧,૦૦૦ કિલોગ્રામ કોકેન, ૧ કિલો હેરોઈન, ૧૨ ગેરકાયદેસર હથિયારો અને ૪૦,૦૦૦ ડોલર રોકડા જપ્ત કર્યા છે. અમેરિકી સત્તાવાળાઓ અને FBI અધિકારીઓએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ઓપરેશને ત્રણ નિર્દિષ્ટ આંતરરાષ્ટ્રીય સંગઠનોના મૂળ પર સીધો પ્રહાર કરીને સમાજમાં ફેલાતી હિંસા અને ડરને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે.
