Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે -સંરક્ષણ, ઉર્જા સહિતના ક્ષેત્રોમાં થયેલા કરારો

મેલબોર્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા હેઠળ બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. કરાર મુજબ હવે ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે. બંને દેશો વચ્ચે યુરેનિયમ ડીલ પર મંજુરીની મહોર લાગી ગઈ છે.

મેલબોર્નમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો ભારતીય સમુદાયના સભ્યો ઉમટી પડ્યા હતા. અંદાજે ૩૦,૦૦૦ ભારતીયોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અગાઉ બે વખત સિડનીની મુલાકાત લઈ ચૂક્્યા છે, પરંતુ મેલબોર્ન આવવાની તેમની લાંબા સમયથી ઇચ્છા હતી. તેમણે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં આ તેમની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત છે અને આ “હેટ્રિક” ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોની વધતી મજબૂતાઈનું પ્રતિક છે.
તેમણે યાદ અપાવ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલાં કોઈ ભારતીય વડાપ્રધાન લગભગ ૨૮ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા નહોતા. તે સમયે તેમણે વચન આપ્યું હતું કે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આટલો લાંબો અંતર ફરી નહીં રહે, અને આજે તે વચન પૂર્ણ થઈ રહ્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું કે મેલબોર્ન એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમાં ચાર ઋતુઓનો અનુભવ થાય છે. પરંતુ અહીં વસતા ભારતીયોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીથી શહેરને વધુ રંગીન અને જીવંત બનાવી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.

તેમણે કહ્યું કે ઘણા ભારતીય પરિવારો વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે અને હવે નવી પેઢી પણ અહીં આગળ વધી રહી છે. તેમ છતાં તેમની અંદર રહેલી ભારતીયતા આજે પણ એટલી જ જીવંત છે. અનેક પરિવારોનું જીવન જાણે બે અલગ-અલગ સમય ઝોન વચ્ચે ચાલતું હોય તેમ લાગે છે.

પીએમ મોદીએ ભારતીય સમુદાયની જીવનશૈલીનું રસપ્રદ વર્ણન કરતાં કહ્યું કે અહીંની દાળ અને શાકભાજી ભલે ઓસ્ટ્રેલિયાની હોય, પરંતુ તેનો સ્વાદ ભારતીય મસાલા અને તડકાથી જ આવે છે. સપ્તાહના અંતે મંદિરો, ગુરુદ્વારા અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાય છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે ગુરુદ્વારામાં અરદાસ, ભારતીય સંસ્કૃતિ અહીં આજે પણ એટલી જ જીવંત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ પણ યોજાવાનો છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ૨૧મી સદીનું ભારત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. એક સ્વપ્ન પૂર્ણ થાય છે તો તરત જ નવું સ્વપ્ન જન્મે છે અને દેશ નવી સિદ્ધિઓ તરફ આગળ વધે છે.

વડાપ્રધાન મોદીના સંબોધન પહેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. તેમણે મોદીને ઓસ્ટ્રેલિયાના સારા મિત્ર ગણાવ્યા અને જણાવ્યું કે અમદાવાદમાં તેમને મળેલા આત્મીય સ્વાગતને તેઓ ક્્યારેય ભૂલી શકશે નહીં. તેમણે ભારતની વૈશ્વિક સ્તરે કટોકટીના સમયમાં મદદરૂપ બનવાની ભૂમિકાની પણ પ્રશંસા કરી.

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વેપાર અને રોકાણ વધારવા અંગે પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહકાર કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો અને કહ્યું કે આ કરાર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડશે.

મેલબોર્નમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયા-ભારત ઝ્રઈર્ં ફોરમ અને આર્થિક રોડમેપ બિઝનેસ કાર્યક્રમમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સુપરએન્યુએશન ફંડના પ્રતિનિધિઓ અને ઓસ્ટ્રેલિયાની અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોલ શ્રોડરે ભારતમાં ૫૦૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જેને વડાપ્રધાન મોદીએ આવકારી હતી.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશો હવે વેપાર, રોકાણ, શિક્ષણ, ટેક્નોલોજી અને સુરક્ષા સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
પીએમ મોદીએ આર્થિક સંબંધોની પ્રગતિ અંગે વાત કરતા કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં થયેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ના કારણે ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતી નિકાસ બમણી થઈ ગઈ છે.
છેલ્લા ૪ વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધીને બમણો થયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં જે વેપાર ૪ અબજ અમેરિકી ડોલર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૮.૫ અબજ અમેરિકી ડોલર પર પહોંચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.