બોગસ દસ્તાવેજોના આધારે આરોપી ‘અબ્દુલ રહેમાન’ના નામે નવો પાસપોર્ટ મેળવીને વિદેશ જવાની ફિરાકમાં હતો
પ્રતિકાત્મક
ખુશનુમા બાનુ માટે યોગેન્દ્ર બન્યો અબ્દુલ રહેમાન, પાસપોર્ટ વેરિફિકેશનમાં એક ભૂલથી ફૂટ્યો ભાંડો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ગેરકાયદે રીતે વસવાટ કરતા તત્ત્વો સામે ચાલી રહેલી ઝુંબેશમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મોટી સફળતા મળી છે. પાસપોર્ટ કચેરીમાંથી આવેલી એક શંકાસ્પદ અરજીની તપાસ દરમિયાન એસઓજીએ એક એવા શખસને ઝડપી પાડ્યો છે, જે પોતાની અસલી હિન્દુ ઓળખ છુપાવીને વર્ષોથી મુસ્લિમ નામ ધારણ કરી અમદાવાદમાં રહેતો હતો.
જૂના પાસપોર્ટ અને નવી અરજીમાં માતા-પિતાના નામ બદલાયા હોવાના કારણે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાની ઓળખ યોગેન્દ્ર રામકુમાર મૌર્ય (મૂળ અયોધ્યાનો રહેવાસી) હોવાની કબૂલાત કરી છે. આરોપીએ જણાવ્યું કે, રોજગારી માટે દિલ્હી ગયા બાદ જ્યારે તે પોતાના વતન અયોધ્યા પરત ફર્યો, ત્યારે તેને પડોશમાં રહેતી ખુશનુમા બાનુ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો.
અલગ-અલગ ધર્મના હોવાના કારણે પરિવારો લગ્ન માટે સંમત ન થતાં બંને ભાગીને દિલ્હી પહોંચ્યા હતા. શરૂઆતમાં તેણે આર્ય સમાજમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ નિકાહ પઢવા માટે યોગેન્દ્રએ પોતાનું નામ બદલીને ‘અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ ખાન’ રાખી લીધું હતું. આ દંપતી છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા જનતા રો-હાઉસમાં રહેતું હતું અને હાલ તેમને ત્રણ બાળકો છે.
પોતાના બદલાયેલા મુસ્લિમ નામને સત્તાવાર સરકારી ચોપડે ચડાવવા માટે આરોપીએ અમદાવાદના જમાલપુર બ્રિજ પાસે સક્રિય એક એજન્ટ (દલાલ)નો સંપર્ક કર્યો હતો. તેણે દલાલને મોટી રકમ ચૂકવીને પોતાના નવા મુસ્લિમ નામના આધારે નકલી ઓળખ પત્રો મેળવી લીધા હતા.
આ આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને તેણે નવા નામના સરકારી પુરાવાઓ તૈયાર કરાવી લીધા હતા.જ આ જ બોગસ દસ્તાવેજોના જોરે આરોપી ‘અબ્દુલ રહેમાન’ના નામે નવો પાસપોર્ટ મેળવીને વિદેશ ઉડાન ભરવાની ફિરાકમાં હતો.
જોકે, પાસપોર્ટ કચેરીમાં વેરિફિકેશન દરમિયાન જૂના અને નવા દસ્તાવેજોમાં માતા-પિતાના નામમાં તફાવત જણાતા શંકા ગઈ હતી અને કેસ એસઓજીને સોંપવામાં આવ્યો હતો. એસઓજીની ટીમે તપાસ કરીને વિદેશ ભાગે તે પહેલાં જ તેને દબોચી લીધો છે.
