ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યુંઃ ૨ના મોત અને ૧૨નો બચાવ
પ્રતિકાત્મક
કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા.
ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું ‘મહેબૂબ-એ-બુખારી’ નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયાના પ્રચંડ મોજા અને ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબ્યું છે. જહાજ પર સવાર કુલ ૧૪ ભારતીય ખલાસીઓમાંથી ૧૨ ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે ૨ ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે.
- જહાજની વિગતો: માલવાહક જહાજ ‘મહેબૂબ-એ-બુખારી’。
- સફર: દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જિબૂટી જવા રવાના થયું હતું。
- માનવહાનિ: ૧૪ માંથી ૧૨ ખલાસીઓનો આબાદ બચાવ થયો, જ્યારે બે ખલાસીઓના કરુણ મોત નીપજ્યા。
- બચાવ કામગીરી: ઓમાન નેવી અને ભારતીય જહાજોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બચાવેલા લોકોને દુકમ નજીક ફિશિંગ જેટી પર પહોંચાડ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ, સલાયાનું ‘મહેબૂબ-એ-બુખારી’ જહાજ ગત ૩ જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા દરિયાઈ માર્ગે રવાના થયું હતું. આ જહાજ ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું.
કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા.
એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જોતજોતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.
જહાજ ડૂબવાની ઘટનાને લઈને ઓમાનનું સત્તાવાર ‘સર્ચ એન્ડ રેસ્ક્યુ દળ’, ઓમાની નેવી અને નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’ દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ બચાવ કામગીરીમાં જહાજ પર સવાર ૧૪ ખલાસીઓમાંથી ૧૨ ભારતીય ખલાસીઓને સહીસલામત બહાર કાઢી લીધા હતા. જહાજ ડૂબવાની દુર્ઘટનામાં ૨ ખલાસીઓ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. મૃતદેહો અને બચાવવામાં આવેલા ૧૨ ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા.
