કોમ્પ્યુટર એન્જિનિયરનું ફિલ્ડ છોડી સીડલેસ લીંબુની ખેતી કરીને બજારમાં જમાવી ધાક, 1 એકરથી 8 લાખની આવક
તાપી જિલ્લામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી વિઝનનો સકારાત્મક પ્રભાવ
વ્યારાના બેડકુવાદુરના શ્રી પ્રતિક ચૌધરીએ કહ્યુ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વાતો સો ટકા સાચી, પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી અને પોષણક્ષમ બની છે –ધોધમાર વરસાદ છતાં ખેતરમાં પાણી શોષાયું, અળસિયાં બન્યા આશીર્વાદ –પિતાના સમયમાં વધુ વરસાદ દરમિયાન અમારું ખેતર તળાવ દેખાતું, આજે બાજુના રાસાયણિક ખેતરમાં એ જ દૃશ્ય
કોઈ પણ ખેડૂત નથી ઇચ્છતો કે તેના ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ રહે કે તેની જમીન કઠણ બની જાય… પરંતુ બદલાતી આબોહવા અને રાસાયણિક ખાતરોના અતિરેકથી જમીનની કુદરતી ક્ષમતા સમાપ્ત થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને આ જ ગંભીર ચિંતાથી મુક્ત કરવા અને ધરતી માતાને બચાવવા સમગ્ર રાજ્યમાં ‘પ્રાકૃતિક ખેતી‘ના મહા-અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
સાદી ભાષામાં કહીએ તો, વરસાદમાં જે જમીન પાણી શોષી લે તે શ્રેષ્ઠ, અને જે ખેતર પાણીને શોષવાને કરવાને બદલે તળાવનું સ્વરૂપ ધારણ કરી લે, તે પાકના વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિમાં અડચણ બને છે. રાજ્યપાલશ્રી અવારનવાર વૈજ્ઞાનિક પુરાવા સાથે ખેડૂતોને સમજાવે છે કે આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉકેલ પ્રાકૃતિક ખેતી છે.
સારી અને નફાકારક ખેતી માટે જરૂરી છે કે ખેતીની જમીનમાં વરસાદનું પાણી શોષાય, જેથી પાકના મૂળને પૂરતો ઓક્સિજન મળે અને લાંબા સમય સુધી જમીનમાં ભેજ જળવાઈ રહે. અને આ બધું જ શક્ય બને છે પ્રાકૃતિક ખેતીમાં. જ્યારે જમીન પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે તેની ફળદ્રુપતા વધે છે, સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે તેમજ ભૂમિનું સ્વાસ્થ્ય સુધરે છે.
આ બધા પરિવર્તનો ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ આવક તરફ દોરી જાય છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આવી સમૃદ્ધિનો માર્ગ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રશસ્ત થઈ રહ્યો છે અને આજે અનેક ખેડૂતો તેના જીવંત સાક્ષી બની રહ્યા છે. આવા જ એક જીવંત સાક્ષી અને પ્રગતિશીલ ખેડૂત અને એટલે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદુર ગામના પ્રતિકભાઈ ચૌધરી.
કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાની મનગમતી ફિલ્ડમાં તક છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવનાર પ્રતિકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હું પ્રાકૃતિક ખેતીને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યો છું. અગાઉ મારા પિતાશ્રી દ્વારા કરવામાં આવતી રાસાયણિક ખેતીના કારણે ખેતરની જમીન કઠણ થઈ ગઈ હતી, પરિણામે વરસાદનું પાણી જમીનમાં શોષાતું નહોતું અને પાકના મૂળ સડી જતાં ભારે નુકસાન વેઠવું પડતું હતું
તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલશ્રી જે વાત કરે છે તેનો મને મારા પોતાના ખેતરમાં પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. વ્યારામાં તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદ છતાં મારા પ્રાકૃતિક ખેતીવાળા ખેતરમાં વરસાદી પાણી સંપૂર્ણપણે જમીનમાં શોષાઈ ગયું છે, જ્યારે બાજુના જ રાસાયણિક ખેતીવાળા ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલું જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જીવામૃત, ઘનજીવામૃત અને અળસિયાંઓની મદદથી મારી જમીન ફરી ફળદ્રુપ, પોચી અને સ્પોન્જ જેવી બની
ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશાં ભારપૂર્વક કહે છે કે રાસાયણિક ખાતરોનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાયના છાણ-મૂત્રમાંથી બનેલા જીવામૃતનો આશ્રય લેવાય છે, ત્યારે અળસિયાંઓ પુનઃ જીવિત થઈ ઊઠે છે. આ અળસિયાંઓ દિવસ-રાત જમીનમાં ઉપર-નીચે અવરજવર કરીને લાખો કુદરતી છિદ્રો બનાવે છે.
આ અવિરત પ્રક્રિયાથી જમીન અંદરથી એકદમ પોચી અને ‘સ્પોન્જ‘ જેવી બની જાય છે. એ જ કારણ છે કે ચોમાસામાં ગમે તેટલો ભારે વરસાદ પડે તો પણ આ કુદરતી છિદ્રો દ્વારા પાણી સીધું જમીનના પેટાળમાં ઉતરી જાય છે. જેનાથી કૂવા અને બોરના જળસ્તર પણ ઊંચા આવે છે.
પ્રતિકભાઈએ વર્ષ ૨૦૧૭થી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં તેમણે સીડલેસ લીંબુનું વાવેતર કર્યું અને વર્ષ ૨૦૨૧થી તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. આજે તેઓ પોતાના ખેતરમાં જ ઉત્તમ ગુણવત્તાના કેમિકલમુક્ત સીડલેસ લીંબુનું મબલખ ઉત્પાદન મેળવી મુંબઈ જેવા મોટા બજારોમાં વેચાણ કરી રહ્યા છે અને એક એકરમાં આઠ લાખની આવક મેળવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીના ભગીરથ પ્રયાસો અને વિઝનરી નેતૃત્વના કારણે આજે તાપી જિલ્લાના અનેક ખેડૂતો પ્રતિકભાઈની આ સફળતાથી પ્રેરિત થઈને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને પોતાની કિંમતી જમીનને બંજર થતી બચાવી રહ્યા છે.
