સુરતમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
સુરત, સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પાણીના વધેલા સ્તરને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય બનવા લાગી છે. ભટાર વિસ્તારના આઝાદનગર અને આંબેડકરનગરમાં પાણી ઓસરતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર જ રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ સૌપ્રથમ ભટારના આઝાદનગર અને પછી આંબેડકરનગરમાં પહોંચીને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. ભારે વરસાદ બાદ આંબેડકરનગર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું,
જેના કારણે અનેક પરિવારોએ ઘર છોડવું પડ્યું હતું. હવે પાણી ઓસરતાં લોકો પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ થયું છે. મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે પૂરપીડિત પરિવારોને કેશ ડોલ (રોકડ સહાય)નું વિતરણ શરૂ કરવામાં આવ્યું.
પાણી ઓસર્યા બાદ સુરતના પોદ્દાર મોલની હાલત તો જુઓ
વરસાદી પાણીએ તો વેપારીઓને પાયમાલ કરી દીધા pic.twitter.com/batIxsSIfy
— Kamit Solanki (@KamitSolanki) July 9, 2026
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર સુરત શહેરમાં ૨૫૦થી વધુ ટીમો સતત મેદાનમાં રહીને અસરગ્રસ્ત પરિવારોનો સર્વે, સહાયનું વિતરણ અને અન્ય રાહત કામગીરી કરી રહી છે. દરેક પીડિત પરિવાર સુધી ઝડપથી સહાય પહોંચે તે માટે તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને તેઓ પોતે પણ ગ્રાઉન્ડ ઝીરો પર રહી કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવતીકાલે સાંજ સુધીમાં પાત્ર અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ની સહાય પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ઉપરાંત, જે લોકો કોઈ કારણસર રસોઈ બનાવી શક્્યા નથી અથવા ખોરાકની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમને રૂ. ૧,૮૦૦ની વધારાની સહાય પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પૂરપીડિતોને તાત્કાલિક આર્થિક સહાય, જરૂરી સુવિધાઓ અને પુનઃસ્થાપન માટેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.
પાણી ઓસરતાં સફાઈ, આરોગ્ય અને આવશ્યક સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થઈ શકે. વરસાદ બાદ સફાઈ અને પાણીના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રે મેગા ઓપરેશન શરૂ કર્યું છે.
શહેરને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે પાણીના નિકાલ, સફાઈ અને આરોગ્ય સંબંધિત કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓ સતત મુલાકાતો લઈ રહ્યા છે અને લોકો સાથે ડોર-ટુ-ડોર વાતચીત કરીને વાસ્તવિક સ્થિતિ જાણી રહ્યા છે.
સફાઈ કાર્યને વેગ આપવા વડોદરા મહાનગરપાલિકાના ૫૦૦ સફાઈ કર્મચારીઓને તાત્કાલિક સુરત મોકલવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સ્થાનિક ટીમો સાથે મળીને રસ્તાઓ, સોસાયટીઓ અને જાહેર સ્થળોની સફાઈ કરી રહ્યા છે. પાણીના ઝડપી નિકાલ માટે વડોદરા, ઉકાઈ અને નડિયાદમાંથી વધારાના હાઈ-ક્ષમતાવાળા ડી-વોટરિંગ પમ્પો પણ મંગાવવામાં આવ્યા છે.
આરોગ્યને ધ્યાનમાં રાખીને જંતુનાશક દવાનો છંટકાવ, બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ અને સ્વચ્છતા અભિયાન પણ ચાલુ છે જેથી વરસાદ પછી ચેપી રોગોનો ફેલાવો અટકાવી શકાય. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણી ભરાવા, ગટર અથવા સફાઈની કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરે. તંત્રનો દાવો છે કે દરેક ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
આમ, સરકાર અને તંત્રની સંયુક્ત મહેનતથી સુરત ઝડપથી પૂર્વવત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પીડિતોને આર્થિક સહાય મળતાં લોકોમાં આશાનો સંચાર થયો છે અને આગામી દિવસોમાં વધુ સહાય અને પુનઃસ્થાપનની કામગીરી ચાલુ રહેશે.
