Western Times News

Gujarati News

રથયાત્રાઃ ૧૩૦થી વધુ મકાનના જોખમી ભાગો ઉતારી લેવાયા, ધાબા પર ભીડ પણ કંટ્રોલ કરાશે

ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાની તડામાર તૈયારી, એએમસી અને મંદિર તંત્ર દ્વારા રૂટનું નિરીક્ષણ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં આગામી અષાઢી બીજ (૧૬મી જુલાઈ)ના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી તાજેતરમાં જ શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય, ડેપ્યુટી મેયર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જમાલપુર નિજમંદિરથી શરૂ કરીને ભગવાનના મોસાળ સરસપુર સુધીના સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ, રથો અને ટ્રકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા રસ્તાના સમારકામ સહિતની તમામ વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. આ વર્ષે કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા એડવાન્સમાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાનો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં જોખમી બાંધકામો ધરાવતા મકાનોના માલિકોને નોટિસ ફટકારીને તેના ભયજનક ભાગો અગાઉથી જ ઉતારી લેવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન કોઈ વ્યક્તિ ભૂલથી પણ આવા જર્જરિત મકાનો પર ચડી ન જાય તે માટે ત્યાં પતરાં અથવા ગ્રીન કવર (કપડું) લગાવવાની વ્યવસ્થા કરાઈ છે.

આ તમામ જોખમી મકાનો પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે અને કોર્પોરેશનની ટીમ પણ ત્યાં હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના માર્ગમાં નડતરરૂપ બનતા મોટા વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી પણ આટોપી લેવાઈ છે.

જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ તંત્રની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ‘અમે જ્યારે રૂટ નિરીક્ષણ માટે મંદિરથી નીકળીને ભગવાનના મોસાળ રણછોડજી મંદિરે પહોંચ્યા, ત્યારે આખા રસ્તામાં એક પણ એવી વસ્તુ દેખાઈ નથી જેને ખામી તરીકે દર્શાવી શકાય.

આ વખતે તમામ વિભાગો દ્વારા સમય પૂર્વે જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘રથયાત્રામાં જોડાતા ભક્તો અને વાહનોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ ચેરમેનો અને પદાધિકારીઓ સાથે રૂટનું નીરિક્ષણ કરવામાં આવ્યું છે. જર્જરિત મકાનોની સુરક્ષાથી લઈને વૃક્ષોના ટ્રિમિંગ સુધીનું તમામ આગોતરું આયોજન પહેલેથી જ સુનિશ્ચિત કરી દેવાયું છે.

આગામી ૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાથી લઈને રસ્તા અને સ્વાસ્થ્ય સુધીની તમામ સુવિધાઓ માટે ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા ૩ વર્ષમાં રથયાત્રા રૂટ પરના ૨૭૦થી વધુ ભયજનક મકાનોને નોટિસ આપી ૧૩૦થી વધુ જોખમી ભાગો ઉતારી લેવામાં આવ્યા છે.

રથયાત્રાના રૂટ પર આવતા જોખમી મકાનોને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા વ્યાપક ડ્રાઇવ ચલાવવામાં આવી છે. મધ્ય ઝોનમાં ૨૫૩ અને ઉત્તર ઝોનમાં ૧૮ મળીને કુલ ૨૭૦થી વધુ ભયજનક મકાનોને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે.

સુરક્ષાના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩૯ જેટલા મકાનોના જોખમી ભાગો તોડી પાડવામાં આવ્યા છે. અત્યંત જર્જરિત બિલ્ડિંગો પાસે લોકો ન જાય તે માટે પતરાં અને ગ્રીન નેટથી આડશ ઊભી કરાઈ છે. રથયાત્રાના દિવસે રૂટ પરના તમામ ૫૪૪ બાંધકામો ઉપર સ્થાનિક પોલીસ સાથે છસ્ઝ્રના એક-એક કર્મચારી તૈનાત રહેશે, જેથી ધાબા કે મકાનની નીચે લોકો ભીડ ન કરે. આ ઉપરાંત રથને નડતરરૂપ મોટા વૃક્ષોનું ટ્રિમિંગ પણ કરી દેવાયું છે.

ભક્તોનું સ્વાસ્થ્ય અને ઇમરજન્સી સેવાઓ માટે ૧૦૦થી વધુ હેલ્થ વર્કર્સ અને ૨૦૭ ફાયર જવાનો તૈનાત રહેશે. રથયાત્રાની આગળ અને પાછળ સતત ૧-૧ એમ્બ્યુલન્સ દોડતી રહેશે. આ ઉપરાંત જમાલપુર મંદિર, દાણાપીઠ, સરસપુર, દરિયાપુર અને શાહપુર ખાતે સ્પેશિયલ મેડિકલ ટીમો હાજર રહેશે, જેમાં ૧૫ મેડિકલ ઓફિસરો ફરજ બજાવશે. એએમસી હસ્તકની તમામ હાસ્પિટલોને પણ ઍલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા મિની ફાયર ફાઇટર, વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સ સહિત કુલ ૩૧ વાહનોનો કાફલો સ્ટેન્ડ-બાય રહેશે. સમગ્ર રૂટનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાલડી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરથી ૯૭ સીસીટીવી કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે.

પોલીસ સ્ટેશનો અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સીધા પ્રસારણ માટે હાઇ-સ્પીડ કનેક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટના ૭૪૫ સ્ટ્રીટલાઇટ પોલ્સ ચેક કરીને અંધારાવાળા વિસ્તારોમાં ૫૬૦ એલ.ઈ.ડી. ફ્‌લડ લાઇટો ફીટ કરાઈ છે. પાવર બેકઅપ માટે ટોરેન્ટ પાવરના સહયોગથી ૧૧ ડી.જી. સેટ પણ ગોઠવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.