ગાંધીનગર ખાતે પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર-૨૦૨૬ સમારોહ યોજાયો
પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પરિવહન ક્ષેત્રનો ફાળો મહત્વનો રહેશે: રાજ્યપાલશ્રી
માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પરિવહન ઓપરેટરોને રાજ્યપાલશ્રીનું આહ્વાન
ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર–૨૦૨૬ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દરમિયાન જાહેર પરિવહન ક્ષેત્રમાં સેવા, સલામતી, નવીનતા, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષને ‘ભારત પ્રવાસ એવોર્ડ્સ–૨૦૨૬‘ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા બસ અને કાર ઓપરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે, પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. એટલે જ, કોઈપણ દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે સુગમ યાતાયાત અને પરિવહનના સાધનો પાયાની જરૂરિયાત હોય છે.
રાજ્યપાલશ્રીએ ગુજરાતને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાનુભાવોની ધરતી ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષોમાં ગુજરાતે ઓટોમોબાઈલ, ઉદ્યોગ, ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરીને વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પરિવહન સેવાઓ દ્વારા લોકો એકબીજાના સંપર્કમાં આવે છે, જેનાથી ભાઈચારો વધે છે અને પ્રધાનમંત્રીશ્રીનો ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘નો સંકલ્પ સાર્થક થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા ૧૨ વર્ષોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું રોડ નેટવર્ક અત્યંત મજબૂત બન્યું છે, જેણે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીની મુસાફરી સુગમ બનાવી છે.
ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરવા માટે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ વધારવા પર રાજ્યપાલશ્રીએ ભાર મૂક્યો હતો. જોકે, વધતા જતા માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઓપરેટરોને અપીલ કરી હતી કે તેઓ યાતાયાતના નિયમોનો વધુ ચુસ્ત પણ પાલન કરે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અકસ્માતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે તમારી બસ કે કારમાં બેસીને તે સુરક્ષિત અનુભવે તેવી વ્યવસ્થા ઊભી કરવી એ આપણા સૌની જવાબદારી છે.
રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં પરિવહન ક્ષેત્રનો ફાળો પણ મહત્વપૂર્ણ રહેશે. પરિવહન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનારા વ્યક્તિ અને સંસ્થાઓને રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતના માર્ગ અને પરિવહન મંત્રાલય તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના સહયોગથી ગાંધીનગર ખાતે બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયા (BOCI) દ્વારા ‘પ્રવાસ ૫.૦’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન જાહેર પરિવહન, ઇલેક્ટ્રિક મોબિલિટી, બસ બોડી બિલ્ડિંગ, ડિજિટલ ટેક્નોલોજી, સલામતી અને ટકાઉ પરિવહન સંબંધિત આધુનિક પ્રદર્શનો, પરિસંવાદો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહ દરમિયાન રેડબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પ્રકાશ સંગમે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે BOCIના અધ્યક્ષ શ્રી જગદેવ સિંહ ખાલસાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે, BOCIના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અલ્લાહ બક્ષ અફઝલે આભારવિધિ કરી હતી.
આ સમારોહમાં ધારાસભ્ય શ્રી અમિત શાહ તથા શ્રી કૌશિક જૈન, BOCIના પ્રેસિડેન્ટ શ્રી પ્રસન્ન પટવર્ધન, BOCI ગુજરાતના અધ્યક્ષ શ્રી કિરણ મોદી સહિત જાહેર પરિવહન ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
