Western Times News

Gujarati News

ઈરાનના મિસાઈલ હુમલા વચ્ચે ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખ ભારતીયો ફસાયા

લોકો હુમલા સમયે ખુલ્લામાં રહેવા માટે મજબૂર

પશ્ચિમ એશિયામાં મિસાઈલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્વાસ રોકી દીધા

નવી દિલ્હી,પશ્ચિમ એશિયામાં મિસાઈલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્વાસ રોકી દીધા છે. ઈરાનની મિસાઈલ્સ, જહાજો ઉપર પડતાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખથી વધુ નાગરિકો વસે છે. તે પૈકી સૌથી વધુ (૧) દુબઈ (યુએઈ)માં ૨૦ લાખ ભારતીયો છે. (૨) અબુધાબી (યુએઈ)નાં પાટનગરમાં ૮ લાખ જેટલા ભારતીયો છે. (૩) યુએઈનાં શારજાહમાં પણ આશરે ૭ લાખ ભારતીયો વસે છે.

કતારનાં પાટનગર દોહામાં અને આસપાસમાં ૫ લાખથી વધુ ભારતીયો છે. (૪) મનામા (બહેરિન) બહેરિનના આ પાટનગર તથા મુહર્રક જેવા વિસ્તારોમાં પણ ઘણા ભારતીયો વસે છે. આ સર્વેને ભારતીય દૂતાવાસો અને ઉપ-દૂતાવાસોએ સતત સંપર્કમાં રહેવા સૂચના આપી દીધી છે. તેમજ મિસાઈલ્સ કે બોમ્બ વર્ષા સમયે મકાનો છોડી ખુલ્લામાં ચાલ્યા જવા તાકીદ કરી છે.ઈરાન હોર્મુઝ અને તટીય પ્રદેશમાં મિસાઈલ હુમલા કરી રહ્યું છે તેની ભારતે ઉગ્ર ટીકા કરી છે.

ઈરાન વ્યાપારી જહાજો ઉપર પણ હુમલા કરે છે. તાજેતરમાં જ ઓમાન પાસે કોમર્શિયલ વેસલ જી.એફ.એસ. ગેલેક્ષી ઉપર ઈરાને મિસાઈલ હુમલો કરતાં તે જહાજમાં રહેલા ૧૧ ભારતીય નાગરિકો પૈકી ૧૦ને તો બચાવી લેવાયા હતા. પરંતુ એકનો હજી સુધી કોઈ પત્તો નથી. તેનું મૃત્યુ થયું હોવાની આશંકા છે.

ભારતનાં વિદેશ-મંત્રાલયે આ ઘટના અંગે ઈરાનની સરકાર સમક્ષ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે વિવાદનો ઉકેલ શાંતિમય મંત્રણા દ્વારા જ લાવવો જોઈએ તો જ ગલ્ફ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા રહી શકે.જોકે નિરીક્ષકો કહે છે કે ભારતીય વિદેશમંત્રાલયે આ પ્રમાણે કહ્યું તો જરૂર છે પરંતુ તે સમજે જ છે કે આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાની અત્યારે તો કોઈ સંભાવના નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.