ગુજરાતમાં હૃદયરોગના કેસ ચિંતાજનક સ્તરે, ૬ મહિનામાં ૫૩ હજારથી વધુ દર્દી
૨૬% માત્ર અમદાવાદમાં
બે વર્ષ અગાઉ દરરોજ સરેરાશ ૨૩૨ વ્યક્તિને હૃદયની સારવાર માટે ઈમરજન્સીની જરૂર પડતી હતી
ખેડબ્રહ્મા, ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૬ મહિનામાં જ હૃદયની સમસ્યાના ૫૩૨૨૬ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ગયા વર્ષે પ્રથમ ૬ મહિનામાં હૃદયની ઈમરજન્સીના ૪૮૧૪૧ કેસ હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં ૧૫.૩૬ ટકાનો વધારો થયો છે.ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ ૨૯૪ વ્યક્તિને હૃદયની સારવાર માટે ‘૧૦૮’ ની જરૂર પડે છે.
આ સ્થિતિ બરકરાર રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ ૧.૦૭ લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી ૨૬ ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.અમદાવાદમાં આ વર્ષે પ્રથમ ૬ મહિનામાં હૃદયની સમસ્યાના ૧૩૭૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ‘૧૦૮’ માં આવતા હૃદયની સમસ્યાના ચારમાંથી ૧ કોલ્સ માત્ર અમદાવાદમાંથી હોય છે તેમ કહી શકાય. અન્યત્ર જ્યાં વધારે કેસ નોંધાયા છે તેમાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા જ્યારે વડોદરા પાંચમાં સ્થાને છે.
સરેરાશની રીતે જ્યાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં બોટાદ ૪૮.૧૬ ટકા સાથે મોખરે છે જ્યાં ૨૦૨૫માં ૨૭૨ જ્યારે ૨૦૨૬માં ૪૦૩ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં હૃદયની ઈમરજન્સીના ૮૪૭૩૮ કેસ નોંધાયા હતા.બે વર્ષ અગાઉ દરરોજ સરેરાશ ૨૩૨ વ્યક્તિને હૃદયની સારવાર માટે ઈમરજન્સીની જરૂર પડતી હતી. ડૉક્ટરોના મતે છેલ્લા કેટલાક વર્ષાેથી યુવાનોમાં હૃદયની સમસ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વખત કોઈ લક્ષણો નહીં હોવા છતાં અચાનક જ હૃદયરોગનો હુમલો આવે છે. હૃદયરોગના સહેજ પણ લક્ષણો જણાય તો તાકીદે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપ અનુસાર એક ખ્યાતનામ ડૉક્ટરના મતે હવે સમય બદલાઈ રહ્યો છે તેમ ૧૭ વર્ષથી વધુ વયની વ્યક્તિએ હૃદયમાં બ્લોકેજ છે કે કેમ તે ચકાસવા નિયમિત રીતે ટેસ્ટ કરાવવો જોઈએ. જેમાં બેઝિક પેનલ, બ્લડ ટેસ્ટ, ઈસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક સીટી સ્કેનનો સમાવેશ થાય છે. હૃદયરોગના ૫૦ ટકા કેસમાં અગાઉથી કોઈ લક્ષણ જોવા મળતા નથી. ઘણી વખત કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરતી હોય, ખાવા-પીવાનું પણ નિયમિત હોય તેમ છતાં તેને હૃદયમાં પણ બ્લોકેજ હોઈ શકે છે.SS1
