કાશ્મીર-ઉત્તરાખંડમાં ૬૦ મિનિટમાં બે જગ્યાએ આભ ફાટ્યું, ૧૧ મોટા ડેમ હાઈ એલર્ટ પર!
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં આભ ફાટતાં અને ભૂસ્ખલનથી જળપ્રલય -અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબ્યાં ઃ જનજીવન સંપૂર્ણ ઠપ ઃ નદીઓ ગાંડીતૂર બનતાં ૧૧ મોટા ડેમ અને બેરેજ ભયજનક સપાટી વટાવવાના આરેઃ
શ્રીનગર, સમગ્ર ઉત્તર ભારતના પહાડી રાજ્યો આ સમયે ચોમાસાના અતિ રૌદ્ર સ્વરૂપ અને કુદરતી આપત્તિના બેવડા માર હેઠળ ધ્રુજી ઊઠ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરની ખીણમાં મુશળધાર વરસાદ, વિનાશક ભૂસ્ખલન અને આભ ફાટવાની એકપછી એક બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓએ સમગ્ર જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત અને ઠપ કરી દીધું છે.
પહાડી નદીઓ, નાળાઓ અને ઝરણાંઓ ગાંડાતૂર બન્યા છે, મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોથી લઈને પહાડી ગામડાઓને જોડતા સેંકડો લિંક રોડ બંધ થઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓ સતત ઉપરથી પડતા કાટમાળ, કાદવ અને પહાડો ધસી પડવાના ડરના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. બગડતી પરિસ્થિતિની ગંભીરતા અને હવામાન વિભાગની આગામી ૨૪ કલાકની ભારે વરસાદની ચેતવણીને જોતાં સ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર પહાડી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરીને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારી દીધી છે.
Cloudburst damaged daily lives in Pahalgam, Kashmir🇮🇳
Pahalgam faced cloudburst on 11/07/2026 pic.twitter.com/qdrhdN27pK
— Aquaman (@patilverse) July 13, 2026
દક્ષિણ કાશ્મીરમાં કુદરતનો સૌથી મોટો પ્રકોપ શનિવારની રાત્રે જોવા મળ્યો હતો, જ્યાં માત્ર ૬૦ મિનિટના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન વિસ્તારોમાં અચાનક વાદળ ફાટવાના કારણે નદી-નાળાઓમાં ભયાનક પૂર આવ્યું હતું. વાદળ ફાટવાની પ્રથમ ઘટના અનંતનાગ જિલ્લાના શંગુસ અંતર્ગત આવતા ચટરગુલ વિસ્તારના ઉપરના પર્વતીય ભાગોમાં બની હતી.
આભ ફાટવાના કારણે ‘નાલા આરપત ચટરગુલ શાંગસ’નું જળસ્તર સેકન્ડોની અંદર જોખમી સપાટી વટાવી ગયું હતું. પર્વતો પરથી નીચે ઉતરેલો આ સૈલાબ પોતાના પ્રવાહમાં ભારે માત્રામાં કાદવ, વિરાટ પથ્થરો અને જળમૂળથી ઉખડી ગયેલા વૃક્ષોનો કાટમાળ વહાવી લાવ્યો હતો. આ પૂરના પાણી સીધા સ્થાનિક લોકોના ખેતરો અને સફરજનના કિંમતી બગીચાઓમાં ઘૂસી ગયા હતા,
જેના કારણે વર્ષભરની મહેનત સમાન ઊભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગણતરીની મિનિટોમાં જ આખો હરિયાળો વિસ્તાર જાણે કાદવના દરિયામાં ફેરવાઈ ગયો હતો.
આ ભયાનક આપત્તિના તુરંત બાદ, પહાડોની પેલે પાર આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામના ઓવેરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી વિસ્તારમાં બીજું વાદળ ફાટ્યું હતું. આ દ્વિતીય ઘટનાને કારણે ઓવેરા નાળામાં આવેલા પૂરે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ પૂરના મટમેલા અને કાદવવાળા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા અને જોતજોતામાં અડધા ડઝન જેટલી વૈભવી હોટેલો, શાનદાર પ્રવાસી રિસોટ્ર્સ અને સ્થાનિક લોકોના રહેણાંક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. મધરાતે ઘરો અને હોટેલોમાં પાણી ઘૂસી જતાં દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ, ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જો કે, વહીવટીતંત્ર માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે આટલી મોટી ભયાનક તબાહી અને અચાનક આવેલા પૂર છતાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. પહલગામના નદી કિનારે આવેલી અગ્રણી હોટેલોમાં રોકાયેલા તમામ પર્યટકો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું વહીવટીતંત્રે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
સમગ્ર અનંતનાગ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આપત્તિ વ્યવસ્થાપ, સ્થાનિક પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો કાટમાળ હટાવવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં રાત-દિવસ જોતરાયેલી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી હોવાથી પ્રવાસીઓને હોટેલની બહાર ન નીકળવા કડક સૂચના અપાઈ છે.
બીજી તરફ, ઉત્તરાખંડ રાજ્યમાં પણ અવિરત વરસી રહેલા વરસાદ અને તેના કારણે થતા વિનાશક ભૂસ્ખલનને લીધે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સતત થઈ રહેલા પથ્થરમારો અને આખા ને આખા પહાડો ધસી પડવાના કારણે રાજ્યના પહાડી વિસ્તારોના સંપર્ક માર્ગો સંપૂર્ણપણે તૂટી ગયા છે.
સરકારી આંકડા મુજબ, રાજ્યમાં હાલમાં ૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ૨ સ્ટેટ હાઈવે સહિત કુલ ૯૧ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેને કારણે ચારધામ યાત્રા પર આવેલા અને સ્થાનિક હજારો મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા છે.
જાહેર બાંધકામ વિભાગની અનેક ટીમો જેસીબી અને પોકલેન મશીનો સાથે રસ્તાઓ પરથી કાટમાળ હટાવી માર્ગો ખુલ્લા કરવાના સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ ઉપરથી સતત ખાબકતા પથ્થરો અને કાદવને કારણે રાહત કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. રાજ્યના પૌડી ગઢવાલ જિલ્લામાં સૌથી વધુ કટોકટી જોવા મળી રહી છે જ્યાં ૨૧ મુખ્ય માર્ગો બંધ છે.
આ ઉપરાંત ચમોલીમાં ૧૯, ટિહરીમાં ૧૭ અને પિથોરાગઢમાં ૧૦ મુખ્ય માર્ગો બંધ થતાં સેંકડો પહાડી ગામડાઓ બાકીની દુનિયાથી તદ્દન સંપર્કવિહોણા બની ગયા છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની તંગી ઊભી થવાનો ભય સતાવી રહ્યો છે. માર્ગો બંધ થવાની સાથે જ ઉત્તરાખંડની તમામ નાની-મોટી નદીઓ ઉફાન પર છે, જેના કારણે રાજ્યના ૧૧ મોટા ડેમ અને બેરેજમાં પાણીનું સ્તર જોખમી નિશાનની અત્યંત નજીક પહોંચી ગયું છે અને ગમે ત્યારે પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
