ડીસામાં મકાનમાંથી રૂપિયા ૬.૪૦ લાખનું અખાદ્ય શંકાસ્પદ ઘી ઝડપાયું
પ્રતિકાત્મક
પોલીસે બે ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
પોલીસે ઘીના નાના-મોટા ડબ્બા નંગ ૨૩૩૪, ૧૫ કિલોના મોટા ડબ્બા નંગ ૧૯ તથા પ્લાસ્ટિકના પાઉચ નંગ ૧૨૦ મળી કુલ રૂ.૬૪૦૫૫૨નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી
પાલનપુર, બનાસકાંઠા એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ડીસાના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીના અલગ અલગ પેકિંગના ૨૩૩૪ ડબ્બા ૧૫ કિલો ગ્રામના મોટા ૧૯ ડબા તથા પ્લાસ્ટિકના પાઉચ નંગ ૧૨૦ ઝડપી લઇ જ્યોતિ ટ્રેડિંગ-કમિશન એજન્ટ પેઢીના બે ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. પીએસઆઇ તથા સ્ટાફ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ડીસાના કાપડી વાસમાં રહેતા રવિકુમાર ભરતભાઈ પંચીવાલા (જ્યોતિ ટ્રેડિંગ-કમિશન એજન્ટ) તથા તેમના ભાગીદાર હિતેશકુમાર પ્રકાશભાઈ મહેસુરીયા (રહે. જોગકૃપા સોસાયટી, ડીસા) પોતાના મકાનમાં અખાદ્ય ઘી વેચાણ માટે રાખે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે રેડ કરી રવિકુમાર પંચીવાલાના ઘરેથી શંકાસ્પદ ઘીના નાના-મોટા ડબ્બા નંગ ૨૩૩૪, ૧૫ kgના મોટા ડબ્બા નંગ ૧૯ તથા પ્લાસ્ટિકના પાઉચ નંગ ૧૨૦ મળી કુલ રૂ. ૬૪૦૫૫૨નો મુદ્દામાલ ઝડપી જે શંકાસ્પદ જણાતા કબજે કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બનાસકાંઠા એસ.ઓ.જી.એ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અખાદ્ય શંકાસ્પદ ઘીનો રૂ. ૩૮૯૨૦૦નો જથ્થો, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અખાદ્ય શંકાસ્પદ ઘીનો રૂ.૫૭૨૦૦૦નો જથ્થો તથા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અખાધ શંકાસ્પદ ઘી નો રૂ.૪૭૫,૦૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.SS1
