નવરંગપુરામાં રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર ઝડપાયો
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના અતિ પોશ અને ચહેલપહેલવાળા નવરંગપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
બે-ત્રણ દિવસ પહેલા નવરંગપુરા જેવા લોકોથી ધમધમતા વિસ્તારમાં, લીબર્ટી ચાર રસ્તા નજીક રોડની કિનારીએ રિક્ષા ઊભી રાખીને એક બુટલેગર કોઈ પણ જાતના ડર વગર બિન્દાસ દારૂનો વેપલો કરી રહ્યો હતો.
આ સમગ્ર કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે જઈને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. જો કે, આ ઘટનાએ નવરંગપુરા પોલીસની કામગીરી અને નિષ્ઠા સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
સૌથી મોટો સવાલ એ છે કે, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ચોવીસ કલાક વિસ્તારમાં પેટ્રોલિંગના દાવા કરે છે, તે પોલીસને પોતાની નાક નીચે થઈ રહેલા આ ખુલ્લેઆમ દારૂના વેચાણની જરાય ભણક કેમ ન લાગી? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ જાય, જનતામાં હોબાળો મચી જાય ત્યાં સુધી સ્થાનિક પોલીસ કઈ ઊંઘમાં હતી? શું આ નવરંગપુરા પોલીસની આળસનું પરિણામ છે કે પછી કથિત રીતે બુટલેગર સાથે કોઈ સાંઠગાંઠની સુગંધ આવી રહી છે?
જ્યારે આ શરમજનક વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યો, ત્યારે સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. પોલીસે એક્શન લઈને ૩૩ વર્ષીય બુટલેગર પ્રતાપભાઈ ગોપાલભાઈ સોનીને રિક્ષા અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો તો નોંધી લીધો છે.
