ટેરિફ મામલે ટ્રમ્પની પીછેહટઃ ભારત-ચીનને રાહત: રશિયન તેલ પર ટેરિફ ઘટાડાયો
AI Image
વોશિંગ્ટન, રશિયન તેલ ખરીદતા દેશો પર 500% ટેરિફ લાદવાના પ્રસ્તાવ વચ્ચે ભારત અને ચીન માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં રજૂ કરાયેલા સુધારેલા બિલમાં મહત્તમ ટેરિફ 500%થી ઘટાડીને 100% કરવામાં આવ્યો છે. જો આ બિલ કાયદો બની જાય, તો ભારત જેવા મોટા આયાતકારોને પહેલા કરતા ઓછા આર્થિક દબાણનો સામનો કરવો પડશે.
સુધારેલા બિલની મુખ્ય બાબતો
- રિપબ્લિકન અને ડેમોક્રેટિક સેનેટરોએ મળીને બિલ રજૂ કર્યું છે.
- ટેરિફ 500%ના બદલે હવે મહત્તમ 100% રહેશે.
- યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રીય હિતમાં લાગશે તો પ્રતિબંધો માફ કરવાની સત્તા આપવામાં આવી છે.
કોને અસર થશે
આ બિલ ભારત, ચીન અને રશિયન ક્રૂડ ઓઇલના ટોચના પાંચ ખરીદદારો પર લાગુ થશે. તેમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. કુદરતી ગેસના મોટા ખરીદદારોમાં ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમ છે.
ખાસ મુકિત
નવા બિલમાં એવા દેશોને છૂટછાટ આપવામાં આવી છે જે રશિયાના કુલ કુદરતી ગેસ નિકાસના 15% કરતા ઓછા આયાત કરે છે અને નિર્ભરતા ઘટાડવા પગલાં લઈ રહ્યા છે. આથી જાપાન, ફ્રાન્સ, હંગેરી અને બેલ્જિયમ જેવા દેશોને પ્રતિબંધોમાંથી મુક્તિ મળી શકે છે.
રશિયા પર સીધી અસર
- બિલ રશિયાના “શેડો ઓઇલ ટેન્કરો” પર કડક પ્રતિબંધ લાદશે.
- રશિયન સેન્ટ્રલ બેંક સહિત મોટી નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવશે.
- યમલ LNG અને આર્કટિક LNG જેવા મોટા ઊર્જા પ્રોજેક્ટ્સને પણ પ્રતિબંધોમાં સામેલ કરવામાં આવ્યા છે.
જોકે, આ કડક જોગવાઈઓ વચ્ચે ટ્રમ્પને પ્રતિબંધોને સંપૂર્ણ અથવા આંશિક રીતે માફ કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે.
