Western Times News

Gujarati News

સુરતમાં છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક રૂ. 1 લાખની રોકડ સહાય ચૂકવાશે

AI Image

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું

:: પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ::

લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે.-છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક રૂ. 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે.

સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે વેરા માફ કરવાનો નિર્ણય.

અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 19256 પરિવારોને ઘરવખરી સહાય અને 39237 વ્યક્તિઓને કેશ ડોલ પેટે કુલ 13.15 કરોડ રૂપિયાની રોકડ સહાય ચૂકવાઈ.

સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલ પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકશાન થયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકટ સ્થિતિમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર-ધંધા ઝડપથી પુનઃકાર્યાન્વિત થાય તેમજ સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે હેતુથી અસરગ્રસ્ત વાણિજય, વેપાર અને સેવાકીય એકમો માટે ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને રૂ. 1 લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

એટલું જ નહિ, જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલા આ પુનઃવસન સહાય પેકેજની જોગવાઇઓ આ મુજબ છે –

૧- લારી/રેકડી ધારકો ઉચ્ચક રૂ.૭,૫૦૦/- ની રોકડ સહાય

૨- નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટ સુધી હોય તે)

ઉચ્ચક રૂ.૨૫,૦૦૦/- ની રોકડ સહાય

૩- મોટી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટથી વધારે હોય તે) ઉચ્ચક રૂ. ૫૦,૦૦૦/- ની રોકડ સહાય

૪- પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલ હોય) ઉચ્ચક રૂ. ૧,૦૦,૦૦૦/- ની રોકડ સહાય

૫- પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્ન ઓવર રૂ. ૭.૫ લાખ સુધી હોય)

રૂ. ૨૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખની મર્યાદામાં)

૬ -પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ.૭.૫ લાખથી ૧૫ લાખ સુધી હોય)

રૂ. ૨૫ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજસહાય (વધુમાં વધુ કુલ રૂ. ૮ લાખની મર્યાદામાં)

૭ -પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ. ૧૫ લાખથી વધુ હોય)

રૂ. ૩૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૧૦ લાખની મર્યાદામાં)

ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે.

ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.

આવા ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી/મામલતદારશ્રી/નગરપાલિકાના ચીફ ઓફીસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

આવી ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રી અથવા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેકટર સુરત દ્વારા કરવામાં આવશે.

જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલુ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમૂનામાં બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે કરવાની રહેશે.

એટલું  જ નહિ, જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી.

આવી સહાય મંજૂર કરવા અંગે ઉભા થતા કોઈ પણ તકરાર, વિવાદ કે પુનઃ સર્વે અંગે જે-તે અસરગ્રસ્ત એકમ સુરત કલેકટરને અપીલ કરી શકશે. કલેકટરની અધ્યક્ષતામાં કાર્યરત આ અપીલ સમિતિમાં અન્ય સભ્યો તરીકે જીલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), સુરત રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગત આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને એક વર્ષ માટે વેરા માફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે સુરત શહેરમાં હાથ ધરાઈ રહેલી સ્વચ્છતા-સફાઈની કામગીરીની વિગતો આપતા કહ્યું કે, પૂરની પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં ગંદકી કે અન્ય રોગચાળા સંબંધિત સમસ્યા ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા ઉપરાંત અન્ય મહાનગરોમાંથી 9 હજારથી વધુ સ્વચ્છતાદૂતોને સુરત ખાતે સફાઈ કામગીરી સાથે જોડવામાં આવ્યાં છે તેમનો પણ સુરત નગરવાસીઓ તરફથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ આભાર માન્યો હતો.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણીની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં 14 જુલાઈ 2026 સુધીમાં કુલ 19256 પરિવારોને રૂ. 9.62 કરોડની ઘરવખરીની સહાય અને 39237 વ્યક્તિઓને રૂ. 3.53 કરોડની કેશડોલ મળીને કુલ 13.15 કરોડ રૂપિયાનું ચૂકવણું રોકડ સહાય સ્વરૂપે કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, સુરત શહેરના ખાડી વિસ્તારમાં ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન ઉદભવે તે માટે એક મજબૂત અને કોંક્રિટ એક્શન પ્લાન તૈયાર કરવા અંગે ખાસ કમિટિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ આ કમિટિના ઉચ્ચ અધિકારીઓની ટીમને સુરત મોકલી હતી. શહેરી વિકાસ અગ્ર સચિવના નેતૃત્વમાં રચાયેલી આ કમિટિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિ દ્વારા સુરતના ખાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના લાંબાગાળાના નિવારણ માટેનો એક્શન પ્લાન આગામી દિવસોમાં બનતી ત્વરાએ તૈયાર કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભારે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા તથા નુકસાનીનો ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

તેમણે અસરગ્રસ્ત વેપારીઓ/વાણિજ્યિક એકમો પાસેથી આ પૂરથી થયેલા વ્યાપક નુકસાનની તલસ્પર્શી વિગતો મેળવીને તેમના પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવીને અસરગ્રસ્તો ઝડપભેર પૂર્વવત થાય તેવા અભિગમથી આ ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.