Western Times News

Gujarati News

મહેમદાવાદના આમસરણમાં વીજપોલ પડતા શાળાએ જતા બાળકનું મોત

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાં મંગળવારે સવારે સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં શાળાએ સાયકલ લઈને જઈ રહેલા ધોરણ-૬ના ૧૧ વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ગામમાં વીજ લાઈનની નજીક ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી દરમિયાન મોટી ડાળી વીજ લાઈન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો હતો અને નીચેથી સાયકલ લઈને શાળાએ જતા માસુમ બાળક પર પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

સુત્રો મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાં રહેતો ૧૧ વર્ષનો કિષ્ના અજયકુમાર યાદવ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ તે આજે સવારે આશરે ૧૦ વાગ્યાના સમયે સાયકલ લઈને શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરિવારજનો અને ગામલોકોને પણ ખ્યાલ નહોતો કે શાળાએ જવા નીકળેલો માસૂમ વિદ્યાર્થી ક્યારેય પરત નહીં ફરે.

આ સમયે ગામમાં વીજ લાઈનની નજીક આવેલ લીલા ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન ઝાડની એક મોટી ડાળી સીધી વીજ લાઈન પર પડતાં વીજ લાઈનને જોરદાર આંચકો લાગ્યો હતો. તેના કારણે વીજપોલ સંતુલન બગડતા અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. અને ધરાશાયી વીજપોલ નજીક માંથી સાયકલ પર શાળાએ જઈ રહેલા કિષ્ના અજય યાદવ પર ખાબક્યો હતો જેના કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી માસુમ અજય યાદવનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં માસૂમ વિદ્યાર્થીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. દુર્ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ તેમજ MGVCL અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્‌યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ગામમાં કિષ્ના અજય યાદવની અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રા દરમિયાન ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

મૃતક અજય યાદવ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. છ બહેનો વચ્ચે એકમાત્ર તે એકમાત્ર લાડકવાયો ભાઈ હતો.એક જ ક્ષણમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો છે.

ઘટનાના પગલે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો. પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી કરી ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ મહેમદાવાદ પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને FSL ટીમના અહેવાલના આધારે સમગ્ર ઘટનાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.