ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘કૌશલ્ય વિકાસ ભવન’નું ભૂમિપૂજન કર્યુ
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદનો ઉદ્યોગ અને રાષ્ટ્રના હિતમાં સંયુક્ત પ્રશંસનીય પ્રકલ્પ
નવી પેઢીના કૌશલ્ય વર્ધન અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે રૂ. ૨૦ કરોડથી વધુના ખર્ચે ગાંધીનગર ખાતે નિર્માણ થનારા ‘કૌશલ્ય વિકાસ ભવન‘નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અષાઢી બીજના પર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તેમજ ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રસંગે અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય સભા)ના પરમ પૂજ્ય સ્વામી પરામાનંદ સરસ્વતીજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. નવીન ભવનના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાઓશ્રીઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તેમજ ઉદ્યોગ વિકાસ પરિષદના શ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, અષાઢી બીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયેલ નવીન કૌશલ્ય વિકાસ ભવન આવનારા સમયમાં આપણા દેશના યુવાનો અને લઘુ ઉદ્યોગો માટે પ્રગતિનું એક નવું દ્વાર બનશે. આ સંસ્થાનો મૂળ મંત્ર ‘ઉદ્યોગ સાથે રાષ્ટ્રહિત‘ એ એક સંપૂર્ણ વિચારધારા છે. આ ભવન આપણા ઉદ્યોગોને નવી ટેકનોલોજી અને કુશળતા પૂરી પાડવામાં એક પથદર્શક સાબિત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઔદ્યોગિકલક્ષી નીતિઓના પરિણામે આપણું ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ત્યારે આ ભવન આવનારા દિવસોમાં યુવાનોને આધુનિક ઔદ્યોગિક જરૂરિયાત મુજબ ટેકનિકલ તાલીમ આપીને રોજગારીની નવી તકો ખોલી આપશે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પ્રાંત સંઘ ચાલક ડો. ભરતભાઈ પટેલ અને પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી સંગઠન તરફથી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રાંતના પ્રભારી શ્રી ઘનશ્યામ ઓઝા તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, શ્રી હંસરાજભાઇ ગજેરા, જાણીતા ઉદ્યોગપતિઓ શ્રી કન્હૈયાલાલ પુષ્પ જૈન, શ્રી નીલેશભાઈ ગઢિયા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ઋતુરાજભાઈ સહિત રાષ્ટ્રીય હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ ભવન ઉદ્યોગ વિકાસ કેન્દ્ર (Centre of Excellence) તરીકે વિકસાવવામાં આવશે. આ ભવનમાં તાલીમ, સેમિનાર, ટેક્નિકલ વર્કશોપ, ઉદ્યોગ માર્ગદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ થશે. નવા ઉદ્યોગસાહસિકો તૈયાર થશે અને સ્વરોજગાર તથા રોજગારીની નવી તકો ઉભી થશે. આ ભવન ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંવાદનું મહત્વનું કેન્દ્ર બનશે.
