જંતર-મંતર ખાતે ધરણાં-પ્રદર્શન અને સુરક્ષાના કારણે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો બંધ કરાયા
- રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરિએટ પર ઇન્ટરચેન્જ સુવિધા કાર્યરત –NEET પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે CJPનો વિરોધ.
-
હાઇકોર્ટના આદેશ બાદ સોનમ વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. –ભૂખ હડતાળના ૨૫મા દિવસે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે વાંગચુકની મુલાકાત લીધી.
નવી દિલ્હી, ૨૨ જુલાઈ, જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવારે લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક અને સેન્ટ્રલ સેક્રેટરિએટ સહિત મધ્ય દિલ્હીના ૧૬ મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા હતા.
જોકે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ સ્પષ્ટ કર્યું હતું કે, સ્ટેશનો સંપૂર્ણ બંધ હોવા છતાં મુસાફરોની અવરજવર સરળ રહે તે માટે રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરિએટ ખાતે ઇન્ટરચેન્જ (લાઇન બદલવાની) સુવિધા ચાલુ રહેશે.
બંધ કરવામાં આવેલા સ્ટેશનોની યાદીમાં લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરિએટ, આઈટીઓ (ITO), દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
NEET-UG પેપર લીક સહિત પરીક્ષાઓમાં વારંવાર થતી ગેરરીતિઓના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના હજારો સમર્થકો અને વિદ્યાર્થીઓએ સોમવારે જંતર-મંતરથી સંસદ ભવન તરફ માર્ચ કાઢી હતી, જે દરમિયાન ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે.
જંતર-મંતરથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે વિદ્યાર્થીઓ, વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા. દિલ્હી પોલીસે આ હિંસક ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ખાતરી આપી છે.
દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
બીજી તરફ, મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચીને નવીનતાકાર (ઇનોવેટર) અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે મેદાંતા ખસેડાયાના થોડા જ સમય બાદ આ મુલાકાત યોજાઈ હતી.
દિલ્હી હાઇકોર્ટના આદેશનું પાલન કરીને વાંગચુકને મંગળવારે સાંજે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપીને કડક સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે મેદાંતા ખસેડાયા હતા. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરિક ચિકિત્સા નિષ્ણાત (ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ) ડૉ. સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ તેમને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે.
બંને કેન્દ્રીય મંત્રીઓ અને વાંગચુક વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કાર્યકર્તા સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાળ બુધવારે ૨૫મા દિવસમાં પ્રવેશી છે.
