Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્રની સમયસર સારવારથી ભારે વરસાદમાં બે મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવાઈ

વરસતાં વરસાદમાં બે ફૂલ ખીલ્યાં:  કુબડથલનાં શ્રીમતી દક્ષાબેન ચુનારા અને માંડલનાં જ્યોત્સનાબેન ઠાકોરે સંપૂર્ણ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો-અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની પડખે છે, કોઈને પણ ગભરાવા કે ચિંતા ન કરવા કલેક્ટર ભવ્ય વર્માની અપીલ

આલેખન: અમિત રાડિયા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે બે નવજાત ફૂલો ખીલ્યાં છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના કર્મયોગીઓની સમયોચિત પ્રતિક્રિયાથી વહેલાલના કુબડથલ તેમજ માંડલની મહિલાઓને સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જેના પરિણામે બંને માતાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક સુરક્ષા માટે તકેદારીનાં તમામ પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે અને નાગરિકોની સલામતી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

દરમિયાન, ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના મંત્ર સાથે કાર્યરત જિલ્લા આરોગ્ય તંત્રની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને લીધે બે નવજાત શિશુઓનો ક્ષેમકુશળ જન્મ થયો છે.

પ્રથમ ઘટનામાં, વહેલાલના કુબડથલ ગામનાં ૨૩ વર્ષીય દક્ષાબેન ચુનારાને મધ્યરાત્રિએ અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પી.એચ.સી. વહેલાલ (PHC Vahelal) ખાતે લઈ જવાયાં હતાં. આ કઠીન પરિસ્થિતિમાં પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મોડી રાત્રે પોણા ચાર વાગ્યે તેમની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

શ્રીમતી દક્ષાબેને ત્રણ કિલો વજનના સ્વસ્થ બાળક (પુત્ર)ને જન્મ આપ્યો છે. હાલમાં માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ છે. મુશ્કેલ સમયે આરોગ્ય ટીમે દર્શાવેલી આ તત્પરતા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આવી જ અન્ય એક ઘટનામાં, માંડલ તાલુકાના જ્યોત્સનાબેન અજીતભાઈ ઠાકોરને પ્રસૂતિની પીડા ઉપડતાં માંડલની કૃષ્ણા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓની સતત દેખરેખ હેઠળ તેમની સામાન્ય (Normal) પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

શ્રીમતી જ્યોત્સનાબેને ૨.૩ કિલો વજન ધરાવતા સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે સમયસર આરોગ્ય સેવાઓ મળી રહેતા પરિવારે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર નાગરિકોની સેવામાં ૨૪x૭ કાર્યરત છે. જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને હોસ્પિટલો ખાતે તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ દિવસ-રાત ખડેપગે ફરજ નિભાવી રહ્યો છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને વિશ્વાસ અપાવતાં કહ્યું કે ભારે વરસાદ કે કોઈ પણ આફતની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર છેવાડાના માનવી સુધી પહોંચવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. હાલની ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકને ગભરાવા કે ચિંતા ન કરવા તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.