Western Times News

Gujarati News

અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે નિષ્ઠાપૂર્વક નિભાવી રાત્રિ સફાઈની જવાબદારી

અમદાવાદમાં તા. 23/06/2026ની રાત્રે પડેલા અતિભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓને પાછળ મૂકી શહેરની સ્વચ્છતા અને નાગરિકોની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફરજનિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મધ્યઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા સે.ઈ. શ્રી વિપુલ યોગી, પ.હે.સુ. શ્રી નિખિલભાઈ ચૌહાણ, સે.સ.ઈ. શ્રી હર્ષભાઈ માખેસણા તેમજ સે.ઈ. શ્રી દિપકભાઈ રાવલ અને સે.ઈ. શ્રી બાબુભાઈ સોલંકીએ સમગ્ર દિવસ દરમિયાન સતત પોતાની ફરજ બજાવ્યા બાદ પણ આરામ કરવાને બદલે ફરીથી રાત્રિના સમયે મેદાનમાં ઉતરી રાત્રિ સફાઈ કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ તમામ અધિકારીઓના પોતાના રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. તેમ છતાં તેમણે પોતાની વ્યક્તિગત પરિસ્થિતિને અવગણી શહેરના માર્ગો અને જાહેર સ્થળોએ વરસાદ બાદ સર્જાયેલી ગંદકી તાત્કાલિક દૂર થાય અને નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે રાત્રિના સમયે સફાઈ કામગીરી કરાવવા જાતે હાજર રહી કામગીરીનું માર્ગદર્શન અને દેખરેખ રાખી હતી.

અતિભારે વરસાદ જેવી કટોકટીની સ્થિતિમાં પણ મધ્યઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આ અધિકારીઓએ પૂરી ખંત, સમર્પણ અને નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી હતી. તેમની આ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કર્મચારીઓની ફરજ પ્રત્યેની અડગ ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.