Western Times News

Gujarati News

પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના

પ્રતિકાત્મક

વડાપ્રધાન મોદીએ સતત ત્રીજા દિવસે વીડિયો જાહેર કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પરીક્ષા પ્રણાલીમાં ધરમૂળથી સુધારા કરવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ એક નવો વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, પરીક્ષા સુધારણાના કાર્યોને વેગ આપવા અને શિક્ષણ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ‘હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ’નું ગઠન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને આ પહેલને શૈક્ષણિક સુધારાની દિશામાં એક અત્યંત પ્રગતિશીલ અને અહમ કદમ ગણાવ્યું છે.

પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સંભાળનારા નંદન નીલેકણી દેશના જાણીતા ટેકનોક્રેટ અને ઉદ્યોગપતિ છે. તેમણે આઈઆઈટી બોમ્બેમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે અને વર્ષ ૧૯૮૧માં એન.આર. નારાયણ મૂર્તિ સહિતના સાથીદારો સાથે મળીને આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ‘ઈન્ફોસિસ’ની સ્થાપના કરી હતી. તેઓ ઈન્ફોસિસના સીઈઓ અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પણ રહી ચૂક્યા છે.

આ ઉપરાંત, ડૉ. નીલેકણીને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણના સ્થાપક અધ્યક્ષ તરીકે દેશના કરોડો નાગરિકોને ડિજિટલ ઓળખ પૂરી પાડતા ઐતિહાસિક ઓળખ પ્રોજેક્ટનું સફળ નેતૃત્વ કરવાનો શ્રેય જાય છે. ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ ડિજિટલ સાક્ષરતા મંચ ‘એકેસ્ટેપ’ના સહ-સ્થાપક પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ૨૦૨૬’ અંતર્ગત દેશભરના યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું મુખ્ય લક્ષ્ય દેશના પ્રત્યેક યુવાને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવવાનું છે.

તેમણે યુવાનોને દેશને નજીકથી જાણવા માટે ‘સોલો ટ્રાવેલિંગ’ (એકલા પ્રવાસ કરવા)નું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું કે, આનાથી દેશની સાથે-સાથે પોતાને ઓળખવાની પણ તક મળે છે. આ દરમિયાન પીએમ મોદીએ વર્ષ ૨૦૧૬ની દિવાળીનો એક સંજોગ યાદ કરતા જણાવ્યું કે, તેઓ સરહદ પર તૈનાત સૈનિક ભાઈઓ સાથે તહેવાર ઉજવવા સરહદી વિસ્તાર ચાંગો ગયા હતા.

આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલી નિકિતા નામની યુવતીએ ચાંગો વિસ્તારના પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, પ્રવાસ પહેલા ઓનલાઈન રીલ્સ જોઈને તેને લાગતું હતું કે ત્યાં વીજળી કે મોબાઈલ જેવી સુવિધાઓ નહીં હોય. પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ નીકળી. ઊંચા પહાડો અને મુશ્કેલ ઢોળાવો પર ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ બનેલા પાકા રસ્તાઓ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

નિકિતાએ સ્થાનિક લોકો સાથે કરેલી વાતચીતના આધારે જણાવ્યું કે, પહેલા અહીં ભારે હાલાકી ભોગવવી પડતી હતી, પણ હવે ‘જલ જીવન મિશન’ અંતર્ગત ઘર-ઘર સુધી પાઈપલાઈનથી પીવાનું શુદ્ધ પાણી પહોંચી ગયું છે.

ચોવીસ કલાક વીજળી અને ઉત્તમ નેટવર્ક કનેક્ટિવિટીની સાથે ‘આયુષ્માન ભારત યોજના’એ સરહદી વિસ્તારના નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજનો આ કાર્યક્રમ ખરેખર ખાસ છે કારણ કે દેશના અંદાજે ૨૫૦ જિલ્લાના ગામડાઓમાંથી યુવાનો આમાં સહભાગી બન્યા છે.”

તેમણે થોડા વર્ષો પહેલા શરૂ કરાયેલા ‘મેરા યુવા ભારત’ પ્લેટફોર્મનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, આજે કરોડો યુવાનો આ મંચ સાથે જોડાઈને વિકસિત ભારત સંવાદથી લઈને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ સુધી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. વડાપ્રધાને યુવાનોને આહ્વાન કર્યું કે, તેઓ માત્ર વર્ચ્યુઅલ માધ્યમો પૂરતા સીમિત ન રહેતા જમીની સ્તરે ઉતરીને ગામડાઓની મુલાકાત લે, જેથી દેશના વાસ્તવિક જીવન અને ત્યાંના વિકાસની અદભૂત આકાંક્ષાઓને સાચા અર્થમાં સમજી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.